હવામાન વિભાગે ૨૯ ડિસેમ્બરથી કોલ્ડ વેવ સંદર્ભે ઑરેન્જ અલર્ટ જાહેર

28 December, 2020 02:06 PM IST  |  New Delhi | Agencies

હવામાન વિભાગે ૨૯ ડિસેમ્બરથી કોલ્ડ વેવ સંદર્ભે ઑરેન્જ અલર્ટ જાહેર

પ્રતીકાત્મક તસવીર

ઠંડીથી હાલમાં તો કોઈ રાહત દેખાતી નથી. રવિવારથી ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે. ત્યાર બાદ પંજાબ, હરિયાણા અને ચંડીગઢ સહિત ઘણાં રાજ્યોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે ૨૯ ડિસેમ્બરથી આ રાજ્યોમાં કોલ્ડ વેવ વિશે ઑરેન્જ અલર્ટ જાહેર કરી છે. હાડ થિજાવતી ઠંડી વચ્ચે રાજસ્થાનનાં ૬ શહેરોમાં તાપમાન ૫ ડિગ્રી નીચે આવી ગયું છે, જ્યારે પટના સહિત સમગ્ર બિહારમાં પારો ૧૦ ડિગ્રી પર આવી ગયો છે. આ ઉપરાંત હિમાચલના કિન્નૌર, લાહૌલ-સ્પીતી અને ચંબાના પર્વતોમાં હિમવર્ષા થઈ શકે છે. રાજ્યમાં ફરી ઠંડીની અસર વર્તાઈ રહી છે. તાપમાનનો પારો એકથી બે ડિગ્રી સુધી ઘટ્યા બાદ શનિવારે રાત્રે રાજસ્થાનનાં ૬ શહેરોમાં તાપમાન પાંચ ડિગ્રી નીચે રેકૉર્ડ થયું હતું. વાદળછાયા વાતાવરણને કારણે દિવસનું તાપમાન પણ ૧૮થી ૨૦ ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે.
બીજી તરફ રાજસ્થાનમાં ગઈ કાલે રાતે ફતેહપુરમાં ૧.૪ ડિગ્રી સાથે સૌથી ઠંડું રહ્યું હતુ. જયપુરમાં તાપમાનનો પારો ૮.૪ ડિગ્રી નોંધાયું હતુ. હવામાન વિભાગે રાતના તાપમાનમાં ૩થી ૫ ડિગ્રી જેટલો ઘટાડો થવાની આગાહી કરી છે. રાજ્યમાં ઠંડી ફરી એક વાર એની અસર બતાવી શકે છે. રવિવારે હરિયાણામાં વરસાદ પડવાની સંભાવના છે. વાદળછાયું બન્યા પછી વરસાદની સિસ્ટમ અહીં સક્રિય થઈ છે. આને કારણે હરિયાણામાં વાદળછાયું વાતાવરણ છવાઈ શકે છે. રવિવાર અને સોમવારે હળવા વરસાદની શક્યતા છે. પટના સહિત સમગ્ર બિહારમાં તાપમાનનો પારો ૧૦ ડિગ્રીની નીચે ગગડ્યો છે.

national news indian meteorological department