સંસદસભ્ય ચિરાગ પાસવાને કરેલી જાહેરાતઃ ઝારખંડમાં એકલા હાથે ચૂંટણી લડશે

13 November, 2019 02:25 PM IST  |  New Delhi

સંસદસભ્ય ચિરાગ પાસવાને કરેલી જાહેરાતઃ ઝારખંડમાં એકલા હાથે ચૂંટણી લડશે

ઝારખંડના સંસદસભ્ય ચિરાગ પાસવાન

(જી.એન.એસ.) મહારાષ્ટ્રમાં શિવસેના અને બીજેપીનાં ૩૦ વર્ષ જૂના સંબંધોમાં ખટાશ આવી છે એના સમાચાર હજી તાજા છે ત્યાં ઝારખંડમાં પણ એનડીએમાં ફૂટ પડી હોવાની માહિતી મળી હતી. ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં પોતાને જે બેઠકો પરથી ચૂંટણી લડવી હતી એ બેઠકો પર બીજેપીએ પોતાના ઉમેદવારો જાહેર કરતાં લોક જનશક્તિ પાર્ટી (લોજપા)એ એવી જાહેરાત કરી હતી કે અમે બીજેપી સાથે મળીને નહીં, પરંતુ સ્વતંત્ર રીતે ચૂંટણી લડીશું.

લોજપાના પ્રમુખ અને સંસદસભ્ય ચિરાગ પાસવાને મીડિયા સાથેની વાતચીત દરમ્યાન આ જાહેરાત કરી હતી. ચિરાગે કહ્યું કે અમે બીજેપી પાસે છ બેઠકો માગી હતી. છએ છ બેઠકો પર બીજેપીએ રવિવારે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા હતા. અમને ટોકન બેઠકો નથી જોઈતી. અમે સ્વતંત્ર રીતે ચૂંટણી લડીશું.

બીજેપીએ રવિવારે પોતાના બાવન ઉમેદવારોની પહેલી યાદી પ્રગટ કરી હતી. ત્યાર બાદ ચિરાગે એવી જાહેરાત કરી હતી કે અમે એનડીએના ઘટક તરીકે ચૂંટણી લડવાના નથી. અમે રાજગ સાથે મળીને ચૂંટણી લડીશું. અમારા પક્ષના ઝારખંડ એકમે અમને એવી ૩૭ બેઠકોની સૂચના મોકલી હતી જ્યાં અમારો પક્ષ સ્વતંત્ર રીતે ચૂંટણી લડી અને જીતી શકે છે.

national news jharkhand