ખેડૂતો અને સરકાર વચ્ચેની બેઠક ફરી અનિર્ણિત

04 December, 2020 01:41 PM IST  |  New Delhi | Agencies

ખેડૂતો અને સરકાર વચ્ચેની બેઠક ફરી અનિર્ણિત

સરકાર સાથે વાતચીત બાદ વિજ્ઞાન ભવનની બહાર આવેલા ખેડૂત આગેવાનો. તસવીર પી.ટી.આઇ.

દિલ્હીમાં નવા કૃષિ કાયદા સામે આંદોલન કરી રહેલા ખેડૂતોના આગેવાનો તેમ જ ત્રણ કેન્દ્રીય પ્રધાનો વચ્ચે વિજ્ઞાન ભવનમાં સાત કલાક સુધી ચાલેલી બેઠક નિષ્ફળ ગઈ હતી. ખેડૂતોના પ્રતિનિધિઓએ સરકાર તરફથી આપવામાં આવેલાં ચા, પાણી તેમ જ ભોજનનો પણ સ્વીકાર કર્યો નહોતો. સરકારે હાજર રહેલા ૪૦ આગેવાનોને એવી ખાતરી આપી હતી કે સરકાર તેમની ચિંતાઓને સમજે છે. કૃષિ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ટ્વીટમાં જણાવાયું હતું કે કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતોના પ્રશ્નોને સાંભળ્યા હતા તેમ જ પત્રકારો સાથે વાતચીત દરમ્યાન પ્રધાને કહ્યું હતું કે આગામી મીટિંગ શનિવારે બપોરે બે વાગ્યે મળશે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ પૂરતો સમય ન હોવાથી ઉકેલ સુધી પહોંચી શકાયું નહોતું.
મહારાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતોનું સંગઠન લોક સંઘર્ષ મોરચાના પ્રમુખે કહ્યું હતું કે જો સરકાર આજે કોઈ ઉકેલ નહીં આપે તો આગામી બેઠકમાં તેઓ ભાગ નહીં લે. અન્ય એક ખેડૂત આગેવાન કુલવંત સિંહે કહ્યું હતું કે સરકાર દ્વારા એમએસપીને લગતા ઘણા પ્રસ્તાવ મૂકવામાં આવ્યા હતા. નવો કૃષિ કાયદો કઈ રીતે સારો છે એવું સમજાવતું પ્રેઝન્ટેશન પણ આ મીટિંગ દરમ્યાન રજૂ કરવામાં આવ્યું હતું. અગાઉ પહેલી ડિસેમ્બરના રોજ પણ ચર્ચા થઈ હતી, જેમાં પણ કોઈ ઉકેલ મળ્યો નહોતો. ખેડૂતોની નવો કૃષિ કાયદો રદ કરવાની માગને સરકારે ફગાવી દીધી હતી તેમ જ નવા કાયદામાં જો કોઈ ખરાબી હોય તો એની જાણ કરવા ખેડૂતોને જણાવાયું હતું.
સરકાર તરફથી આપવામાં આવેલા ભોજનનો અસ્વીકાર કરવાના મામલે ખેડૂતોએ કહ્યું હતું કે એક તરફ અમારા સાથી ખેડૂતો આઠ દિવસથી રસ્તા પર હોય તો અમે કઈ રીતે ભોજનનો સ્વીકાર કરી શકીએ.

national news