પટનામાં સ્ટોનને બદલે ડૉક્ટરોએ પેશન્ટની કિડની જ કાઢી નાખી

20 November, 2020 01:20 PM IST  |  Patna | Gujarati Mid-day Correspondent

પટનામાં સ્ટોનને બદલે ડૉક્ટરોએ પેશન્ટની કિડની જ કાઢી નાખી

પ્રતીકાત્મક તસવીર

કિડની સ્ટોનના પેશન્ટનું ઑપરેશન કરતી વખતે ડૉક્ટરે તેની કિડની જ કાઢી નાખી. ઑપરેશન બાદ પેશન્ટના સ્વજનોને કિડની સોંપતાં ભૂલ સામે આવતાં ધાંધલ મચી ગઈ.

વાસ્તવમાં પેશન્ટની ડાબી કિડનીમાં પથરી હતી જે કાઢવા માટે ઑપરેશન કરવામાં આવી રહ્યું હતું. જોકે ઑપરેશન દરમ્યાન ડૉક્ટરોએ કિડની જ કાઢી નાખી પેશન્ટના પરિવારજનોને સોંપતાં ધાંધલ મચી ગઈ હતી. રોષે ભરાયેલા પેશન્ટનાં સગાંવહાલાંઓએ હૉસ્પિટલ પર પથ્થરમારો કર્યો હતો.

ડૉક્ટરોએ પોતાની ભૂલ માનીને બીજી કિડનીના ઇલાજનો સંપૂર્ણ ખર્ચ વહન કરવાનું આશ્વાસન આપતાં પેશન્ટના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરવા ગયા નહોતા. ઘટના પટનાના કંકડબાગ પોલીસ સ્ટેશનના અધિકાર ક્ષેત્રમાં આવતી બીજીબી હૉસ્પિટલની છે અને પેશન્ટ બેગુસરાઈનો યુવક છે.

થોડા દિવસ પહેલાં પેટમાં દુખાવાની ફરિયાદ સાથે પટનાના કંકડબાગસ્થિત બીજીબી હૉસ્પિટલમાં દાખલ થયેલા બેગુસરાઈના 26 વર્ષના યુવકની તપાસમાં તેની ડાબી કિડનીમાં પથરી હોવાનું જણાયું હતું. જોકે ઑપરેશન દરમ્યાન ડાબીને બદલે જમણી કિડની કાઢી નાખવામાં આવી હોવાનું જણાયું હતું.

હૉસ્પિટલના ડૉક્ટરોનું કહેવું છે કે ઑપરેશન દરમ્યાન યુવકની બન્ને કિડનીમાં પથરી હોવાનું ધ્યાન પર આવ્યું હતું. કિડનીની રક્તનળીઓનો ગુચ્છો ફસાઈ જતાં લોહી બંધ નહોતું થઈ રહ્યું જેના લીધે જીવ બચાવવા માટે કિડની કાઢવી પડી હતી.

patna national news new delhi