માયાવતીની યુપીમાં ભાગલાની રાજનીતિ

16 November, 2011 09:40 AM IST  | 

માયાવતીની યુપીમાં ભાગલાની રાજનીતિ



માયાવતીએ આ મામલે વડા પ્રધાનને પત્ર લખ્યો હતો ત્યારે તેમની કૅબિનેટે ઉત્તર પ્રદેશની વિધાનસભામાં ૨૧ નવેમ્બરથી શરૂ થઈ રહેલા શિયાળુસત્રમાં આ વિશે ઠરાવ પસાર કરવાનો ગઈ કાલે નિર્ણય કર્યો હતો.

માયાવતીએ ગઈ કાલે લખનઉમાં પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘અમે વિધાનસભામાં ૨૧ નવેમ્બરથી શરૂ થઈ રહેલા શિયાળુસત્રમાં ઠરાવ પસાર કરીશું. ત્યાર પછી એ ઠરાવ કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે. કેન્દ્ર સરકાર એને સંસદમાં રજૂ કરીને પસાર કરે એ પછી ચાર અલગ-અલગ રાજ્યો અસ્તિત્વમાં આવશે.’

તેમણે તેમના આદર્શ બાબાસાહેબ આંબેડકરથી પ્રેરિત થઈને આ નિર્ણય લીધો હોવાનું જણાવતાં ઉમેર્યું હતું કે ‘ઉત્તર પ્રદેશ વસ્તીની દૃષ્ટિએ દેશનું સૌથી મોટું રાજ્ય છે. એની વસ્તી ૨૦ કરોડ છે. દેશની ૧૬ ટકા વસ્તી ઉત્તર પ્રદેશમાં છે. વિસ્તારની દૃષ્ટિએ પણ એ જાયન્ટ છે. એ ૨,૪૦,૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં વ્યાપેલું છે. આથી એના સવાર઼્ગી વિકાસ માટે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બહેતર બનાવવા માટે એને ચાર ટુકડામાં વિભાજિત કરવાનો નિર્ણય કર્યો છે. માત્ર વિભાજન જ આ રાજ્યની સમસ્યાને ઉકેલી શકે છે તથા અસમતુલા દૂર કરી શકે છે.’

માયાવતીનું આ પગલું રાજકીય સ્ટન્ટ : બીજેપી

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ઉત્તર પ્રદેશને ચાર ટુકડામાં વિભાજિત કરવાના માયાવતીના નિર્ણયને બીજેપીનાં નેતા ઉમા ભારતીએ એક રાજકીય સ્ટન્ટ ગણાવ્યો હતો. જોકે કૉન્ગ્રેસે આ વિશે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવામાં સાવધાની રાખી હતી. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવે માયાવતીના નિર્ણયને રાજકીય ષડ્યંત્ર અને ચૂંટણી પહેલાં કરવામાં આવેલો સ્ટન્ટ ગણાવ્યો હતો. તેમણે ઉત્તર પ્રદેશના વિભાજનનો વિરોધ કરવાની ઘોષણા કરતાં કહ્યું હતું કે ઉત્તર પ્રદેશને ચાર રાજ્યોમાં વિભાજિત કરવાથી વિકાસ થવાની તેમની વાત સાવ પાયાવિહોણી છે.