માયાવતીનું હૃદય-પરિવર્તન

14 December, 2012 06:04 AM IST  | 

માયાવતીનું હૃદય-પરિવર્તન



ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના ચૅરમૅન હામિદ અન્સારીની સખત શબ્દોમાં ટીકા કર્યાના બીજા દિવસે બીએસપી સુપ્રીમો માયાવતીએ ગઈ કાલે તેમના પ્રત્યે માન વ્યક્ત કર્યું હતું અને તેમનામાં વિશ્વાસ મૂક્યો હતો. રાજ્યસભામાં ગઈ કાલે વડા પ્રધાન મનમોહન સિંહે એક સ્ટેટમેન્ટ આપીને અન્સારીને સંપૂર્ણ સહકાર આપવાની તથા તેમનામાં વિશ્વાસ હોવાની ખાતરી આપી હતી. એ પછી વિપક્ષના નેતા અરુણ જેટલીએ પણ તેમને સહકારની ખાતરી આપી હતી. બાદમાં માયાવતીએ પણ ટોન બદલતાં અન્સારી પ્રત્યે માન વ્યક્ત કર્યું હતું. માયાવતીએ કહ્યું હતું કે મને તમારામાં પૂરેપૂરો વિશ્વાસ છે.

સરકારી નોકરીઓમાં પ્રમોશનમાં એસસી-એસટીને અનામતનો જોગવાઈ ધરાવતું બિલ પસાર થવામાં થઈ રહેલા વિલંબથી નારાજ માયવતીએ બુધવારે અન્સારી પર ગૃહ ચલાવવામાં અક્ષમ હોવાનો આક્ષેપ મૂક્યો હતો અને ગેરહાજર રહેવા બદલ તેમની ટીકા કરી હતી. એ પછી અપસેટ થયેલા અન્સારીએ રાજીનામું આપી દેવાનો સંકેત આપ્યો હતો. જોકે ગઈ કાલે માયાવતી થોડા કૂણાં પડ્યાં હતાં. તેમણે બિલ ઝડપથી પસાર થાય એ માટે વડા પ્રધાન મનમોહન સિંહને અપીલ કરી હતી.

રાજ્યસભામાં બિલ રજૂ : સોમવારે ફેંસલો

સરકારી નોકરીઓમાં પ્રમોશનમાં એસસી-એસટી વર્ગના લોકોને અનામતનો લાભ આપવાની જોગવાઈ ધરાવતું વિવાદાસ્પદ બિલ આખરે ગઈ કાલે રાજ્યસભામાં રજૂ થયું હતું. બીજેપી સહિતની વિવિધ પાર્ટીએ બિલને સપોર્ટ પણ આપ્યો હતો. આ બિલમાં સરકારે ૨૨ ટકાની લિમિટની નવી જોગવાઈ ઉમેરી છે. સમાજવાદી પાર્ટીએ આ બિલનો જોરદાર વિરોધ કર્યો હતો. જોકે બીજેપી, ડાબેરી પાર્ટીઓ, તૃણમૂલ કૉન્ગ્રેસ અને જેડીયુએ એને શરતી ટેકો આપ્યો હતો. શિવસેનાએ જોકે બિલનો વિરોધ કર્યો હતો. હવે આવતા સોમવારે આ બિલ પર વોટિંગ થશે. બિલ પસાર કરવા માટે બે-તૃતીયાંશ સભ્યોનો સપોર્ટ જરૂરી છે. ગઈ કાલે પણ જ્યારે બિલ રજૂ થયું ત્યારે સમાજવાદી પાર્ટીના સભ્યોએ ઉગ્ર નારેબાજી કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. વડા પ્રધાન મનમોહન સિંહે બિલને ટેકો આપવા સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહ યાદવ સાથે ચર્ચા કરી હતી.