માયાવતીએ ભરી રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિને ધમકાવી નાખ્યા

13 December, 2012 05:31 AM IST  | 

માયાવતીએ ભરી રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિને ધમકાવી નાખ્યા



મલ્ટિ-બ્રૅન્ડ રીટેલમાં એફડીઆઇને મુદ્દે સરકાર માટે તારણહાર બનેલાં બીએસપી સુપ્રીમો માયાવતીએ ગઈ કાલે તેમનું રૌદ્ર સ્વરૂપ બતાવીને અનેકને ચોંકાવી દીધા હતા. સરકારી નોકરીઓમાં પ્રમોશનમાં એસસી-એસટીને અનામતની જોગવાઈ વિશેનું બિલ પસાર નહીં થતાં નારાજ માયાવતીએ રાજ્યસભાના ચૅરમૅન અને ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીને ૧૨ વાગ્યા પછી ગેરહાજર રહેવા બદલ ધમકાવી નાખ્યા હતા. અન્સારી ગૃહની કામગીરી સારી રીતે નહીં ચલાવી શકતા હોવાનો આરોપ મૂકીને માયાવતીએ તેમને ગૃહમાં વ્યવસ્થા જાળવવા રીતસરનો આદેશ આપ્યો હતો. સામાન્યપણે ગૃહના સભ્યો ક્યારેય ચૅરમૅન કે સ્પીકરની કામગીરીને લઈને સવાલો કરતા નથી, પણ માયાવતીના આ અણધાર્યા અટૅકથી અન્સારી સહિત અનેક નેતાઓ ચોંક્યા હતા. બાદમાં નારાજ થયેલા અન્સારીએ રાજીનામું આપી દેવાની પણ ઇચ્છા વ્યક્ત કરી હતી. વડા પ્રધાન મનમોહન સિંહે ફોન કરીને તેમને મનાવ્યા હતા તથા માયાવતીના વર્તન બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. 

બહનજી ગુસ્સે થયાં

સરકારી નોકરીઓમાં પ્રમોશનમાં એસસી-એસટીને અનામતની જોગવાઈ બાબતના બિલના મુદ્દે બે દિવસ પહેલાં જ કડક ઍક્શન લેવાની ધમકી આપી ચૂકેલાં માયાવતી તેમની પાર્ટીના સભ્યો સાથે ગઈ કાલે સાડાઅગિયાર વાગ્યે રાજ્યસભાની વેલમાં ધસી આવ્યાં હતાં. એ વખતે પ્રશ્નકાળ ચાલી રહ્યો હતો અને વાણિજ્યપ્રધાન આનંદ શર્મા સવાલોના જવાબ આપી રહ્યા હતા. નારાજ માયાવતીએ ચૅરમૅનને ઉદ્દેશીને કહ્યું હતું કે ‘છેલ્લા કેટલાક દિવસથી અમે જોઈ રહ્યા છીએ કે બપોરે ૧૨ વાગ્યા પછી ગૃહની કામગીરી ચાલવા દેવામાં આવતી નથી.’ બાદમાં અન્સારીએ તેમને સમજાવવાનો પ્રયાસ કરતાં માયાવતીએ કહ્યું હતું કે ‘હું તમારી એક પણ વાત સાંભળવાની નથી. ગૃહ ચલાવવાની જવાબદારી કોની છે? આ તે કેવું ગૃહ છે?’ બાદમાં અન્સારીએ ફરી તેમને મનાવવાનો પ્રયાસ કરતાં માયાવતી અને તેમની પાર્ટીના સભ્યોએ નારેબાજી કરીને ગૃહ ચાલવા દીધું ન હતું. બાદમાં ચૅરમૅને દિવસભર માટે ગૃહની કામગીરી સ્થગિત કરી હતી.

આ તો હજી ટ્રેલર છે

બાદમાં સંસદની બહાર પત્રકારો સાથે વાત કરતાં માયાવતીએ કહ્યું હતું કે મેં પહેલે જ ચેતવણી આપી હતી કે ‘જો અનામત વિશેનું બિલ પસાર નહીં થાય તો હું કડક પગલાં ભરીશ. આજનું મારું આ પગલું (ઉપ-રાષ્ટ્રપતિને ધમકાવવાનું) મારા કડક વલણનું પ્રથમ સ્ટેપ છે. જો બિલ પાસ નહીં થાય તો અમે વધુ આકરાં પગલાં ભરીશું.’

માયાવતીના વર્તનની ટીકા

વિવિધ પાર્ટીના નેતાઓએ માયાવતીના વર્તનની ટીકા કરી હતી, જ્યારે કૉન્ગ્રેસે આ ઘટના બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. રાજ્યસભા મોકૂફ થયા બાદ વિપક્ષના નેતા અરુણ જેટલી સહિતના નેતાઓ સાથેની બેઠકમાં અપસેટ થયેલા અન્સારીએ કહ્યું હતું કે ‘હું અપસેટ છું. આ સ્થિતિમાં કામ કરવું મારા માટે મુશ્કેલ છે.’ બાદમાં વડા પ્રધાન મનમોહન સિંહે ફોન કરીને તેમની સાથે વાત કરી હતી તથા રાજ્યસભામાં ઘટેલી ઘટના બદલ ચિંતા વ્યક્ત કરી હતી.