ધ મૅચ મસ્ટ ગો ઑન

12 September, 2025 09:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારત-પાકિસ્તાન વચ્ચેની મૅચ રદ કરવાની માગણી કરતી PIL પર તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કરીને સુપ્રીમ કોર્ટે કહ્યું...

ધ મૅચ મસ્ટ ગો ઑન.’ કોર્ટે કડક શબ્દોમાં આ મામલે તાત્કાલિક સુનાવણી કરવાની ના પાડી દીધી હતી

T20 એશિયા કપ 2025માં રવિવારે ૧૪ સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચેની મૅચ રદ કરવા માટે હાલમાં પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન (PIL) એટલે કે જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. લૉના ચાર સ્ટુડન્ટ્સે દાખલ કરેલી આ અરજી જસ્ટિસ જે. કે. માહેશ્વરી અને વિજય બિશ્નોઈ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જોકે તેમણે આ મામલે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો.

અરજદારોએ દલીલ કરી હતી કે ‘પહલગામ આતંકવાદી હુમલા અને ઑપરેશન સિંદૂરમાં ભારતીય નાગરિકો અને સૈનિકોએ જીવ ગુમાવ્યા હતા. એ પછી પણ પાકિસ્તાન સાથે ક્રિકેટ મૅચ રમવાથી રાષ્ટ્રીય ગૌરવ અને જાહેર ભાવનાની વિરુદ્ધ સંદેશ જશે. ક્રિકેટને રાષ્ટ્રીય હિત, નાગરિકોનાં જીવન અથવા સૈનિકોએ આપેલા બલિદાનથી ઉપર ન રાખવું જોઈએ.’

અરજદારોના વકીલોએ વિનંતી કરી હતી કે ‘આ કેસની સુનાવણી શુક્રવાર પહેલાં થવી જોઈએ, નહીંતર આ અરજી નિરર્થક બની જશે.’ જોકે એની સામે સુપ્રીમ કોર્ટની બેન્ચે જવાબ આપ્યો હતો કે ‘મૅચ આ રવિવારે છે? આપણે એના વિશે શું કરી શકીએ? રહેવા દો. ધ મૅચ મસ્ટ ગો ઑન.’ કોર્ટે કડક શબ્દોમાં આ મામલે તાત્કાલિક સુનાવણી કરવાની ના પાડી દીધી હતી.

sports news sports asia cup t20 asia cup 2025 indian cricket team cricket news pakistan supreme court delhi news indian government