કેરળના મુન્નારમાં સતત ત્રીજા દિવસના વરસાદ પછી ભૂસ્ખલન, 5ના મોત

07 August, 2020 03:49 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

કેરળના મુન્નારમાં સતત ત્રીજા દિવસના વરસાદ પછી ભૂસ્ખલન, 5ના મોત

કેરળમાં વરસાદને કારણે ભૂસ્ખલન

કેરળના મુન્નારમાં મોટું ભેખડ ધસી છે, જેમાં ચાયના બગીચામાં કામ કરતાં કેટલાય મજૂરો ફસાયા છે. અત્યાર સુધી 5ના મોતના સમાચાર મળ્યા છે. વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સ્થાનિક અધિકારીઓ પ્રમાણે, દુર્ઘટના ઇડુક્કી જિલ્લામાં શુક્રવારે થઈ. આ વિસ્તાર સંપૂર્ણ રીતે કપાયેલો હોવાથી રાહત અને બચાવ કાર્યમાં પણ મુશ્કેલી થઈ રહી છે.

બચાવ દળને પહોંચવામાં પણ ઘણી મુશ્કેલી થઈ. ખૂબ જ વધારે વરસાદ પડવાને કારણે પૂર જેવી સ્થિતિ છે અને કેટલાક રસ્તા તો તણાઇ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. કેરળના રાજસ્વ મંત્રી ઇ ચંદ્રશેખરને જણાવ્યું કે, "સ્થિતિ ખરેખર ગંભીર છે."

ન્યૂઝ એજન્સી એએનઆઇ પ્રમાણે ઇડુક્કીના રાજમાલામાં 5ના મોત થયા છે તો 10 લોકોને અત્યાર સુધી કાટમાળમાંથી કાઢી શકાયા છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી પી વિજયને જણાવ્યું કે ઘટનાસ્થળે એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. પોલીસ, ફૉરેસ્ટ અને રેવેન્યૂ અધિકારીઓને પણ બચાવ કાર્યમાં ઝડપ લાવવાના નિર્દેશ આપી દેવામાં આવ્યા છે.

રાજ્યના અન્ય ભાગમાં પણ વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે. વાયનાડમાં પણ ઘણાં ઘરને વરસાદને કારણે નુકસાન વેઠવું પડ્યું છે.

kerala national news