શા માટે કંપનીઓ ડીઝલ કાર બનાવવાનું બંધ કરી રહી છે?

29 September, 2020 05:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શા માટે કંપનીઓ ડીઝલ કાર બનાવવાનું બંધ કરી રહી છે?

ડીઝલ વાહનો

આપણા દેશમાં પહેલાથી જ પેટ્રોલ અને ડીઝલ કારનું ચલણ વધુ રહ્યું છે. છેલ્લા થોડાક સમયથી સીએનજી વાહનોનો વપરાશ પણ વધ્યો છે. હાલના સમયમાં ઈલેક્ટ્રીક વાહનો પણ આવી રહ્યા છે પરંતુ લોકો ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રકચરના અભાવે ઈલેક્ટ્રીક કાર લેવાનું ટાળે છે. મોટા ભાગની એસયુવી ડીઝલ જ હોય છે પરંતુ દરેક કાર કંપનીઓ ડીઝલ વાહનોને બંધ કરવાની યોજના બનાવી રહી છે.

વાત એ છે કે આ વર્ષના એપ્રિલ મહિનાથી ભારત સ્ટેજ-6 (બીએસ-6) નિયમ ફરજિયાત થયો હતો. આ નિયમના લીધે વાહનમાં અમૂક ફેરફાર કરવા જરૂરી છે, જેથી વાહનના એકંદર મૂલ્યમાં વધારો થઈ રહ્યો છે. કંપનીઓનું કહેવું છે કે કારને બીએસ-6માં અપગ્રેડ કરતા તેનો ઉત્પાદન ખર્ચ જ એટલો વધી જાય છે કે તેનું વેચાણ કરવું મુશ્કેલ બને છે.

ટુ-વ્હિલર્સ, થ્રી-વ્હિલર્સ અને ઘણી હૅચબેક અને સિડાનના બીએસ-6 મોડેલ આવ્યા છે પરંતુ તે જ મોડેલના ડીઝલ વર્ઝન બંધ કરવાની યોજના કંપનીઓ બનાવી રહી છે.

દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયાએ સ્વિફ્ટ, ડીઝાયર, ઈગ્નિસ, બલેનો, અર્ટિગા, સિયાઝ, એસ-ક્રોસ અને વિટારા બ્રેઝાના ડીઝલ વર્ઝન બંધ કરી દીધા છે. સ્કોડા અને ફોક્સવેગને પણ ડીઝલ વર્ઝનની સિડાન વેચતી હતી પરંતુ બીએસ-6 આવતા પેટ્રોલ કારનું ઉત્પાદન કરી રહી છે. જોકે સ્કોર્પિયો, બુલેરો જેવી મજબૂત એસયુવી બનાવતી મહિન્દ્રએ તેની દરેક એસયુવીના બીએસ-6 વર્ઝન લોન્ચ કર્યા છે કારણ કે આ કંપનીઓના દરેક વાહનો મોટા ભાગે ડીઝલથી ચાલતા જ છે. ગ્રાહકો પણ આ વધતી કિંમત સ્વિકારશે જ કારણ કે સરકારનો બીએસ-6 લાવવાનો નિર્ણય પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે લેવાયો છે.   

maruti suzuki automobiles national news