હરિયાણાના CMનું અજીબ તારણ : બળાત્કાર માટે છોકરીઓ ખુદ જ હોય છે જવાબદાર

23 October, 2014 04:19 AM IST  | 

હરિયાણાના CMનું અજીબ તારણ : બળાત્કાર માટે છોકરીઓ ખુદ જ હોય છે જવાબદાર




હરિયાણાના મુખ્ય પ્રધાન તરીકે વરાયેલા ભારતીય જનતા પાર્ટીના નેતા મનોહરલાલ ખટ્ટર માને છે કે બળાત્કાર માટે છોકરીઓ પોતે જ જવાબદાર હોય છે. ખટ્ટરના આ નિવેદનને અનુસંધાને સોશ્યલ મીડિયા પર જોરદાર વિવાદ શરૂ થયો છે અને આ મુદ્દે ખટ્ટરની ઝાટકણી પણ કાઢવામાં આવી રહી છે.

લગ્ન પહેલાં સેક્સ બાબતે પોતાનો મત આપતાં ખટ્ટરે આ મહિનાના પ્રારંભે એક ટીવી-ચૅનલને જણાવ્યું હતું કે ‘લગ્ન પહેલાં સેક્સ કલંક સમાન છે. સેક્સ તો લગ્ન પછી જ સ્વીકાર્ય છે. છોકરાઓ અને છોકરીઓનાં દિમાગ સાચા ટ્રૅક પર નથી હોતાં એટલે લગ્ન પહેલાં સેક્સ માણવાના કિસ્સા બને છે.’

પોતાની આ વાતને વિસ્તારતાં ખટ્ટરે એમ પણ કહ્યું હતું કે કોઈ છોકરી સંસ્કારી દેખાય એવાં વસ્ત્રો પહેરશે તો કોઈ છોકરો તેના તરફ ખરાબ નજર નહીં કરે.

છોકરીઓ અને છોકરાઓ માટેના સ્વાતંત્ર્યના વિકલ્પ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે ખટ્ટરે કહ્યું હતું કે ‘સ્વતંત્રતા જ જોઈતી હોય તો તમે નગ્ન થઈને કેમ નથી ફરતા? સ્વતંત્રતાની પણ એક સીમા હોવી જોઈએ. પિમની સીધી અસરને કારણે આપણે ત્યાં છોકરીઓ નાનાં વસ્ત્રો પહેરે છે. આપણા દેશની પરંપરા છોકરીઓને સંસ્કારી વસ્ત્રો પહેરવાનું કહે છે.’

હરિયાણા વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું એના એક દિવસ પહેલાં જ આપેલા એક ઇન્ટરવ્યુમાં ખાપ પંચાયતોના ફેંસલાને યોગ્ય ઠરાવતાં ખટ્ટરે એમ કહ્યું હતું કે ‘છોકરી અને છોકરો ભાઈ-બહેન છે એ પરંપરાનું પાલન ખાપ પંચાયત કરે છે. છોકરી તથા છોકરો એકમેકને ખરાબ નજરે ન જુએ એ ખાપ સુનિશ્ચિત કરે છે અને એના ફેંસલા બળાત્કાર રોકવામાં મદદરૂપ થાય છે.’