Mann Ki Baat: માતા અન્નપૂર્ણાની મૂર્તિ બદલ કેનેડાનો માન્યો આભાર

29 November, 2020 11:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mann Ki Baat: માતા અન્નપૂર્ણાની મૂર્તિ બદલ કેનેડાનો માન્યો આભાર

ફાઈલ તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ આજે રવિવારે પોતાના રેડિયો પ્રોગ્રામ 'મન કી બાત' (Mann Ki Baat)ના 71માં એપિસોડમાં દેશવાસીઓને 11 વાગે ઓલ ઇન્ડિયા રેડિયો, દૂરદર્શન અને નરેન્દ્ર મોદી એપ પરથી સંબોધિત કર્યા હતા. તેમણે કાર્યક્રમની શરૂઆતમાં કહ્યું હતું કે, આજે હું તમને ખુશખબરી આપવા જઈ રહ્યો છું. કેનેડાથી મા અન્નપૂર્ણાની મૂર્તિ ભારત પાછી આવી ગઈ છે. તે માટે કેનેડા સરકારનો આભાર માનું છું. દેવી અન્નપૂર્ણાની મૂર્તિ કેનેડાથી પરત આવી રહી છે જે કાશીથી ચોરી કરવામાં આવી હતી.

વડાપ્રધાને કહ્યું કે, માતા અન્નપૂર્ણાની પ્રતિમા પરત આવવાની સાથે એક સંયોગ પણ જોડાયો છે કે થોડા દિવસ પૂર્વે જ વર્લ્ડ હેરિટેજ વીક ઉજવવામાં આવ્યું છે. વર્લ્ડ હેરિટેજ વીક સંસ્કૃતિ પ્રેમીઓ માટે જૂના સમયમાં પરત જવાની, તેમના ઈતિહાસના અગત્યના પડાવોને જાણવા માટે એક શાનદાર તક પૂરી પાડે છે. આજે દેશ અનેક મ્યૂઝિયમ અને લાઇબ્રેરીના કલેક્શનને ડિજિટલ બનાવવાનું કામ કરી રહ્યું છે. દિલ્હીના અમારા સંગ્રહાલયે આ સંબંધમાં પ્રશંસાપાત્ર પ્રયાસ કર્યા છે. નેશનલ મ્યૂઝિયમ દ્વારા લગભગ દસ વર્ચ્યૂઅલ ગેલેરી ઇન્ડ્રોડ્યૂસ કરવાની દિશામાં કામ ચાલી રહ્યું છે.PM મોદીએ કહ્યું કે, આ મહિને 12 નવેમ્બરથી ડૉક્ટર સલીમ અલજીની 125મી જયંતી સમારોહ શરૂ થયો છે. ડૉક્ટર સલીમે પક્ષીઓની દુનિયામાં બર્ડ વોચિંગને લઈને ઉલ્લેખનીય કાર્ય કર્યું છે. દુનિયામાં બર્ડ વોચિંગને ભારત પ્રત્યે આકર્ષિત પણ કર્યું છે. ભારતમાં ઘણી બધી બર્ડ વોચિંગ સોસાયટી સક્રિય છે. વડાપ્રધાને લોકોને અપીલ કરી છે કે તમે પણ ચોક્કસપણે આ વિષયની સાથે જોડાવો.

હાલમાં જ વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવેલા જ્યાં તેમણે સરદાર પટેલની પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કેવડિયાની મુલાકાત લીધી હતી. કેવડીયાના વિકાસ માટે સરકાર દ્વારા વિવિધ પ્રયત્નો અને યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે વડાપ્રધાન મોદીએ આજે કહ્યું કે, મારા દોડભાગ ભરેલા જીવનમાં મને પાછલા દિવસોમાં કેવડિયામાં પક્ષિયો સાથે સમય વિતાવવાનો ખૂબ જ યાદગાર અવસર મળ્યો.

મોદીએ કહ્યું હતું કે, સંસદે તાજેતરમાં કડક વિચારમંત્ર બાદ ખેતી સુધારણા કાયદો પસાર કર્યો છે. તેમણે કહ્યું કે આ સુધારાઓથી માત્ર ખેડૂતોની મુશ્કેલીઓ જ ઓછી થઈ નથી પરંતુ આ કાયદાથી તેમને નવા અધિકારો અને તકો પણ મળી છે.

નોંધનીય છે કે, વડાપ્રધાને પોતાના આ મહિનાના 'મન કી બાત' કાર્યક્રમ માટે 17 નવેમ્બરે લોકો પાસેથી સૂચનો મંગાવ્યા હતા.

national news mann ki baat narendra modi