‘રાષ્ટ્ર પ્રથમ, હંમેશાં પ્રથમ’: જનતાને નવો મોદી-મંત્ર

26 July, 2021 08:55 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

નાગરિકોને ‘ભારત જોડો આંદોલન’માં સક્રિય થવાની વડા પ્રધાનની ઉત્સાહભેર હાકલ

ફાઈલ તસવીર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે દર મહિને પ્રસારિત થતા રેડિયો વાર્તાલાપ ‘મન કી બાત’માં નાગરિકોને ‘રાષ્ટ્ર પ્રથમ, હંમેશાં પ્રથમ’નો મંત્ર આપતાં આગામી સ્વતંત્રતાદિને આઝાદીનાં ૭૫મા વર્ષમાં પ્રવેશ વેળા ‘ભારત જોડો આંદોલન’માં સક્રિય થવાનો અનુરોધ કર્યો હતો. દેશની આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે તમામ પ્રાંતમાં બહુવિધ પ્રકારના કાર્યક્રમો યોજાયા હોવાનું વડા પ્રધાને જણાવ્યું હતું. તેમાં એક મહત્તમ સંખ્યામાં નાગરિકો રાષ્ટ્રગીતના સામૂહિક ગાયનમાં જોડાય એવા એક આયોજન માટે સાંસ્કૃતિક કાર્ય મંત્રાલયે વિશેષ રૂપે  rashtragan.in નામે વેબસાઇટ  શરૂ કરી હોવાનું પણ વડા પ્રધાને જણાવ્યું હતું. મોદીએ  સ્વતંત્રતાદિન (૧૫ ઑગસ્ટ) પૂર્વેના ‘મન કી બાત’ વાર્તાલાપમાં જણાવ્યું હતું કે ‘જે રીતે ગાંધીજીએ અંગ્રેજોને હાંકી કાઢવા માટે શરૂ કરેલા ‘ભારત છોડો આંદોલન’ માં સમગ્ર રાષ્ટ્રના નાગરિકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સામેલ થયા હતા એ રીતે આઝાદીના અમૃત મહોત્સવના પર્વે ‘ભારત જોડો આંદોલન’નું એલાન કરવામાં આવ્યું છે. હું દેશના તમામ નાગરિકોને ‘રાષ્ટ્ર પ્રથમ, હંમેશાં પ્રથમ’ના મંત્ર સાથે આ અભિયાનમાં સક્રિય નેતૃત્વ સંભાળવાનો અનુરોધ કરું છું.’

વૅક્સિન લેનારને મફતમાં છોલે ભટુરે ખવડાવતા ફેરિયાની મોદીએ પ્રશંસા કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ‘મન કી બાત’માં ચંડીગઢમાં ખાદ્યપદાર્થોનો ખૂમચો ચલાવતા એક ફેરિયાની ભરપેટ પ્રશંસા કરી હતી. ચંડીગઢના સેક્ટર ૨૯માં સાઇકલ પર છોલે ભટુરે વેચતા સંજય રાણા નામનો આ ફેરિયો ઍન્ટિ કોવિડ વૅક્સિન લીધાનો પુરાવો બતાવતા નાગરિકોને મફતમાં ખાણું પીરસે છે, એ બાબતની નોંધ લેતાં વડા પ્રધાને તેમને વખાણ્યો હતો. વૅક્સિનેટેડ નાગરિકોને મફત છોલે ભટુરે ખવડાવવાની ભલામણ રાણાને તેમની દીકરી રિદ્ધિમા અને ભત્રીજી રિયાએ કરી હતી. મોદીએ નાના વર્ગના બીજા ઘણાના વખાણ પણ કર્યા હતાં.

national news new delhi mann ki baat narendra modi