આતંકવાદ સામે પગલાં લેવામાં આવે પછી જ પાકિસ્તાન જઈશ : વડાપ્રધાન

13 November, 2011 12:22 PM IST  | 

આતંકવાદ સામે પગલાં લેવામાં આવે પછી જ પાકિસ્તાન જઈશ : વડાપ્રધાન



મનમોહન સિંહે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાંતિમંત્રણામાં પાકિસ્તાનનું સૈન્ય પણ સામેલ હતું. આતંકવાદ અને ભારત-પાકિસ્તાન વચ્ચેની શાંતિમંત્રણા વિશે વડા પ્રધાને કહ્યું હતું કે ‘મુંબઈ જેવો વધુ એક આતંકવાદી હુમલો શાંતિમંત્રણામાં અવરોધરૂપ બની શકે છે એ વાત ગિલાની પણ સારી રીતે સમજી શકે છે. મેં તેમને કહી દીધું હતું કે ભારતમાં જનતાના મત અનુસાર ૨૬/૧૧ હુમલાના અપરાધીઓને સજા નથી મળી. આથી આ દિશામાં જ્યાં સુધી કોઈ નક્કર કામ ન થાય ત્યાં સુધી શાંતિમંત્રણા માટે આગળ વધી શકાય નહીં.’ વા પ્રધાને કહ્યું હતું કે પાકિસ્તાન સાથેની શાંતિમંત્રણા થોડા સમયમાં જ શરૂ થશે અને અમે પાકિસ્તાનની સિવિલિયન ગવર્નમેન્ટ (લોકતાંત્રિક સરકાર)ના હાથ વધુ મજબૂત બનાવવા માગીએ છીએ.

મૅન ઑફ પીસનો વિવાદ

ગયા ગુરુવારે વડા પ્રધાન મનમોહન સિંહે પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર યુસફ રઝા ગિલાનીને તેમની સાથેની મુલાકાત બાદ શાંતિદૂત કહ્યા હતા. આ બાબતે દેશના વિપક્ષોમાં હોબાળો મચી ગયા છે ત્યારે વડા પ્રધાને ગઈ કાલે સ્પષ્ટતા કરી હતી કે ‘હું યુસુફ રઝા ગિલાનીને પાંચ વખત મળ્યો છું અને તેમણે મને હંમેશાં કહ્યું છે કે બન્ને દેશો વચ્ચેના વિવાદોનો ઉકેલ શાંતિમંત્રણા વડે જ લાવી શકાશે. આથી મેં તેમને શાંતિદૂત કહ્યા છે.’

ભારત અને માલદીવ વચ્ચે કરાર

ભારત અને માલદીવ વચ્ચે ગઈ કાલે આતંકવાદ સામે લડવાથી માંડીને વેપાર સહિતનાં અનેક ક્ષેત્રે સહકાર સાધવા માટે ઐતિહાસિક કરાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભારતે માલદીવને દસ કરોડ ડૉલર (અંદાજે ૮ અબજ રૂપિયા)ની ક્રેડિટ પણ આપી છે. આતંકવાદીઓ સામે લડવા ઉપરાંત અપરાધીઓના પ્રત્યાર્પણ સહિત કુલ છ ક્ષેત્રે બન્ને દેશોએ કરાર કર્યા છે.

માલદીવના પ્રમુખ મોહમ્મદ નશીદે કહ્યું હતું કે માલદીવના વિકાસમાં ભારતનો બહુ મોટો ફાળો રહેશે.

માલદીવ ચાંચિયાગીરીની સમસ્યાથી પણ પીડાઈ રહ્યું છે ત્યારે ભારત અને માલદીવે હિન્દ મહાસાગરમાં આ દૂષણ સામે સંયુક્ત લડત આપવાનો નિર્ણય કર્યો છે.

લોકસભાનાં સ્પીકર માલદીવ જશે

માલદીવની સંસદના સ્પીકર અબ્દુલ્લા શાહીદે આપેલા આમંત્રણનો સ્વીકાર કરતાં વડા પ્રધાન મનમોહન સિંહે ગઈ કાલે કહ્યું હતું કે લોકસભાનાં સ્પીકર મીરા કુમાર માલદીવની મુલાકાત લેશે.

વડા પ્રધાન મનમોહન સિંહે ગઈ કાલે માલદીવની સંસદ પીપલ્સ મજલિસને સંબોધન કર્યું હતું. આ સાથે તેઓ આ સન્માન મેળવનારા પ્રથમ ભારતીય પ્રાઇમ મિનિસ્ટર બન્યા છે. ૨૦ મિનિટના વક્તવ્ય બાદ માલદીવની સંસદે તેમને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.

પેટ્રોલના ભાવ હજી વધી શકે છે

છઠ્ઠી નવેમ્બરે પેટ્રોલના ભાવમાં ૧.૮૦ રૂપિયાનો વધારો થયો છે ત્યારે આ વિશે પૂછવામાં આવતાં વડા પ્રધાને ગઈ કાલે કહ્યું હતું કે જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધે તો પેટ્રોલના ભાવમાં હજી વધારો થઈ શકે છે. યુપીએ (યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ)ના સાથી પક્ષ તૃણમૂલ કૉન્ગ્રેસે પણ તાજેતરમાં પેટ્રોલના ભાવવધારાનો વિરોધ કરીને સરકાર છોડી દેવાની ધમકી આપી હતી ત્યારે પ્રાઇમ મિનિસ્ટરે કહ્યું હતું કે ‘સરકાર પેટ્રોલના ઓછા ભાવને લીધે થઈ રહેલા નુકસાનને પહોંચી વળવા ૧.૩૨ લાખ કરોડ રૂપિયાની સબસિડી આપી રહી છે. જોકે સરકાર આ ભારણ વધુ ખમી શકે એમ નથી.’

૨૯ ઑક્ટોબરે ફુગાવો છેક ૧૧.૮૧ ટકા પર પહોંચ્યો હતો ત્યારે વડા પ્રધાને ખાદ્ય પદાર્થોના વધી રહેલા ભાવ વિશે પણ ચિંતા વ્યક્ત કરી હતી.