04 July, 2023 10:59 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
મણિપુરમાં પ્રદર્શન કરી રહેલા સ્થાનિકો
મણિપુરમાં વંશીય હિંસાના મામલે ગઈ કાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી અને અદાલતે રાજ્ય સરકારને લેટેસ્ટ સ્થિતિ જણાવતો એક રિપોર્ટ સોંપવા માટે ગઈ કાલે આદેશ આપ્યો હતો. આ રિપોર્ટમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિને ઇમ્પ્રૂવ કરવા તેમ જ પુનર્વસન માટે લેવામાં આવેલાં પગલાંની વિગતો રાજ્ય સરકારે આપવી પડશે. ચીફ જસ્ટિસ ડી.વાય. ચન્દ્રચુડ અને જસ્ટિસ પી.એસ. નરસિંહા અને મનોજ મિશ્રાની બેન્ચે આ મુદ્દે અરજીઓનું દસમી જુલાઈએ સુનાવણી માટે લિસ્ટિંગ કર્યું હતું.
રાજ્ય સરકાર તરફથી હાજર સૉલિસિટર જનરલ તુષાર મહેતાને રાજ્યની લેટેસ્ટ સ્થિતિ જણાવતો રિપોર્ટ ફાઇલ કરવા જણાવીને બેન્ચે કહ્યું હતું કે ‘આ રિપોર્ટમાં પુનર્વસન કૅમ્પ્સ, કાયદા-વ્યવસ્થાની સ્થિતિ અને હથિયારોની રિકવરી જેવી વિગતો હોવી જોઈએ.’
સૉલિસિટર જનરલે સુનાવણી દરમ્યાન રાજ્યમાં સિક્યૉરિટી ફોર્સિસને તહેનાત કરવામાં આવી એની તેમ જ રાજ્યમાં કાયદા-વ્યવસ્થા બાબતે અત્યારની સ્થિતિ વિશે જણાવ્યું હતું. ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું હતું કે રાજ્યમાં હવે કરફ્યુના કલાકો ૨૪થી ઘટાડીને પાંચ કલાક કરવામાં આવ્યા છે. અત્યારે રાજ્યમાં સિવિલ પોલીસ, ઇન્ડિયન રિઝર્વ બટાલિયન્સ તેમ જ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસની ૧૧૪ ટુકડીઓને તહેનાત કરવામાં આવી છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે કુકી ગ્રુપ્સ માટે હાજર સિનિયર ઍડ્વોકેટ કોલિન ગોન્સાલ્વેસે આ કેસને સાંપ્રદાયિક રંગ ન આપવો જોઈએ.
ગોન્સાલ્વેસે કહ્યું કે મણિપુરમાં સ્થિતિ ખરાબ થઈ રહી છે. ઉગ્રવાદી જૂથો કુકીઓના વિનાશની ધમકી આપી રહ્યાં છે. જોકે સૉલિસિટર જનરલે એનો વિરોધ કરતાં કહ્યું હતું કે રાજ્યમાં પૂરતી સંખ્યામાં આર્મ્ડ ફોર્સિસની હાજરી અને રિલીફ કૅમ્પ્સના કારણે સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે.