કેજરીવાલ પર ચંપલ ફેંકાયું : ભ્રષ્ટાચારના મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ

19 October, 2011 07:12 PM IST  | 

કેજરીવાલ પર ચંપલ ફેંકાયું : ભ્રષ્ટાચારના મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ



અરવિંદ કેજરીવાલ નવી દિલ્હીમાં ભ્રષ્ટાચાર વિરોધી ચળવળના ભાગરૂપ યોજાયેલા એક પ્રોગ્રામમાં હાજરી આપવા ગયા હતા ત્યારે એક યુવકે તેમના પર ચંપલ ફેંક્યું હતું.

આ યુવકની ઓળખ કરવામાં આવતાં તે જાલૌન જિલ્લાનો તથા તેનું નામ જિતેન્દ્ર પાઠક હોવાનું માલૂમ પડ્યું હતું. જિતેન્દ્રે કેજરીવાલ પર ચંપલ ફેંક્યા બાદ લોકોએ તરત જ તેને પકડી લીધો હતો. જિતેન્દ્રે આક્ષેપ કર્યો છે કે કેજરીવાલ ભ્રષ્ટાચારના મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેણે દાવો કર્યો છે કે તે એક પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલો નથી.

ટીમ અણ્ણાના મેમ્બર તથા ભૂતપૂર્વ આઇપીએસ (ઇન્ડિયન પોલીસ સર્વિસ) ઑફિસર કિરણ બેદીએ કહ્યું હતું કે આ ઘટના પાછળ સ્થાપિત હિતોનો હાથ છે.

જમણેરી વિચારધારા ધરાવતા જૂથ શ્રીરામ સેનાએ ૧૨ ઑક્ટોબરે સુપ્રીમ ર્કોટની ચેમ્બરમાં કાશ્મીરમાં જનમત લેવો જોઈએ એવી ટિપ્પણી કરવા બદલ પ્રશાંત ભૂષણ પર હુમલો કરીને તેમની ધુલાઈ કરી હતી. હુમલા બાદ કેજરીવાલ તેના પ્રોગ્રામ મુજબ આગળ વધી મંચ પરથી વકતવ્ય આપતાં કહ્યું હતું કે ‘અમને યુપીએ સરકાર સાથે કોઈ વાંધો નથી, પરંતુ શિયાળુ સત્રમાં જો તેઓ લોકપાલ બિલ નહીં લાવે તો અમે ઉત્તર પ્રદેશમાં તેમની વિરુદ્ધ પ્રચાર કરીશું.’

લોકશાહીના સિદ્ધાંતોની વિરુદ્ધ

બીજેપીના પ્રવક્તા શાહનવાઝ હુસેને કહ્યું હતું કે ‘અરવિંદ કેજરીવાલ પર થયેલો હુમલો કમનસીબ ઘટના છે. અમે આ હુમલાનો વિરોધ કરીએ છીએ. આ હુમલો લોકશાહીના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. આ અટૅક કોણે કરાવ્યો એ એક મોટો સવાલ છે. એના વિશે તપાસ થવી જ જોઈએ.’

કમનસીબ ઘટના : કૉન્ગ્રેસ

કૉન્ગ્રેસે કહ્યું હતું કે ‘અરવિંદ કેજરીવાલ પર થયેલો હુમલો કમનસીબ ઘટના છે. આ અટૅકની અમે ટીકા કરીએ છીએ અને વિરોધ દર્શાવીએ છીએ. કોઈ પણ વ્યક્તિ પર આ પ્રકારનો હુમલો ન થવો જોઈએ.’

અમે ગોળી ખાવા પણ તૈયાર છીએ

અરવિંદ કેજરીવાલ પર ચંપલ ફેંકવામાં આવ્યા બાદ સામાજિક કાર્યકર અણ્ણા હઝારેએ કહ્યું હતું કે ‘હું આ ઘટનાથી જરા પણ વિચલિત નથી થયો. અમે ગોળી ખાવા પણ તૈયાર છીએ. હિંસાને લોકશાહીમાં કોઈ સ્થાન નથી. હું પણ લખનઉ જઈને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરીશ.’

અણ્ણા હઝારે આત્માની શાંતિ માટે એક અઠવાડિયાના મૌનવ્રત પર છે ત્યારે તેમણે કાગળ પર લખીને પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો.