નરેન્દ્ર મોદી ચેતવણી બાદ જ ઝારખંડમાં ગોરક્ષકોના ટોળાએ એક વ્યક્તિની હત્યા કરી

30 June, 2017 04:51 AM IST  | 

નરેન્દ્ર મોદી ચેતવણી બાદ જ ઝારખંડમાં ગોરક્ષકોના ટોળાએ એક વ્યક્તિની હત્યા કરી



શૈલેષ નાયક

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે અમદાવાદસ્થિત વિશ્વપ્રસિદ્ધ સાબરમતી આશ્રમની મુલાકાત લઈને દેશના વર્તમાન માહોલ તરફ પોતાની પીડા અને નારાજગી વ્યક્ત કરવાની ઇચ્છા દર્શાવીને કહ્યું હતું કે ‘આજે જ્યારે સાંભળું છું કે ગાયના નામે કોઈની હત્યા થઈ જાય છે ત્યારે મનમાં પીડા ઊપડી આવે છે. કાનૂન કાનૂનનું કામ કરશે, કાયદો હાથમાં લેવાનો કોઈને અધિકાર નથી. ગાયના નામે હત્યા ન થાય. ગૌભક્તિના નામે હિંસા ચલાવી નહીં લેવાય. દેશવાસીઓને આગ્રહ કરીશ કે હિંસા સમસ્યાઓનું સમાધાન નથી.’

સાબરમતી આશ્રમને ૧૦૦ વર્ષ પૂરા થયાં એની શતાબ્દીની ઉજવણી પ્રસંગે અને શ્રીમદ રાજચંદ્રની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવ પ્રસંગે ગઈ કાલે અમદાવાદ આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. આશ્રમ પાસે આવેલા મેદાનમાં યોજાયેલા સમારોહમાં વડા પ્રધાને ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ રાજચંદ્રજીને શ્રદ્ધાંજલિ આપતાં કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા ૧૫૦ રૂપિયાના અને ૧૦ રૂપિયાના બે સ્મૃતિ-સિક્કાઓ તેમ જ ટપાલટિકિટનું અને સાબરમતી આશ્રમના હૃદયકુંજનું ફર્સ્ટ ડે કવર તેમ જ પાંચ રૂપિયાની કિંમતની ટપાલટિકિટનું લોકાર્પણ કર્યું હતું.

વડા પ્રધાને કહેવાતા ગોભક્તોની આકરા શબ્દોમાં ટીકા કરીને અહિંસા પર ભાર મૂકતાં કહ્યું હતું કે ‘ગાયના નામે માણસને મારે છે. શું ઇન્સાનને મારવાનો હક મળે છે? શું આ ગોભક્તિ છે? ગોરક્ષા છે? પૂજ્ય બાપુનો રસ્તો આ ન હોઈ શકે. ગાયની ભક્તિ કરવી હોય તો ગાંધીજી-વિનોબાએ ઉત્તમ રાહ બતાવ્યો છે એ રસ્તે દેશે ચાલવું પડશે. ગાંધીજીની ધરતી પર સંતુલિત જીવન જવાબદારી સાથે જીવવાનું સૌનું દાયિત્વ છે.’

માણસને મારી નાખવો એ કંઈ ગૌભક્તિ નથી

શ્રીમદ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીના સંસ્કારસિંચનથી સમગ્ર વિશ્વને સત્ય, અહિંસા, સમતા અને માનવતાના સદ્ગુણોથી જોડવાની અપીલ કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આજના સંકટમાંથી પસાર થઈ રહેલી માનવતાને ગાંધીજીથી રાહ મળી શકે છે. ઇતિહાસને ભુલાવી દેવાની કેટલી મોટી કિંમત ચૂકવવી પડે છે, શું ગુમાવવું પડે છે એ વાત સમજવી હોય તો હું સમજું છું કે શ્રીમદ રાજચંદ્રજીના વ્યક્તિત્વથી બહુ જ ભલી ભાંતિ સમજી શકીએ છીએ. આજે સુભગ યોગ છે કે શ્રીમદ રાજચંદ્રજીની ૧૫૦મી જન્મજયંતી અને સાબરમતી આશ્રમની શતાબ્દીની ઉજવણી થઈ રહી છે. ગાંધીજીને દુનિયાની મોટી-મોટી હસ્તીઓ મળવા આવતી હતી, પરંતુ દુનિયાનું કોઈ વ્યક્તિત્વ ગાંધીજીને પ્રભાવિત કરી શક્યું નહીં અને એક શ્રીમદ રાજચંદ્રજી, દૂબળા–પાતળા એક વેપારી, આ અસામાન્ય વ્યક્તિત્વ. શ્રીમદ રાજચંદ્રજીની વ્યક્તિત્વની કઈ ગહેરાઈ રહી જેમણે આખેઆખા ગાંધીજીને પોતાનામાં સમેટી લીધા. બાપુએ શ્રીમદ રાજચંદ્રજીને આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે સ્થાન આપ્યું હતું. ગાંધીજી અંતરમનના સારા સવાલ લખીને પૂછતા હતા અને શ્રીમદ રાજચંદ્રજી વિના સંકોચે પૂરા જ્ઞાનનું સંપુટ બાપુને પત્ર દ્વારા પહોંચાડતા હતા. આપણા દેશમાં PhD અનેક વિષય પર થાય છે ત્યારે હું ઇચ્છું છું કે ગુજરાત યુનિવર્સિટી અને દેશની યુનિવર્સિટીઓ પણ શ્રીમદ રાજચંદ્રજીની લેખની પર–કથા પર PhD કરે. ૨૦૧૯માં બાપુની ૧૫૦મી જન્મજયંતી મનાવીશું. પ્રત્યેક ભારતવાસીએ બાપુના સત્ય, અહિંસા, માનવતા, સ્વચ્છતાના સંસ્કારને ઉજાગર કરીને બાપુને સાચી શ્રદ્ધાંજલિ આપવાની છે. આપણી ભીતરમાં પણ સંકલ્પશક્તિ હોઈ એ પરિપૂર્ણ કરીશું. બાપુના સપનાનું હિન્દુસ્તાન બનાવવા આપણે પણ કંઈક જવાબદારી નિભાવીએ. સ્વચ્છતામાં બાપુ કૉમ્પ્રોમાઇઝ નહોતા કરતા. સ્વચ્છતાનું અભિયાન ૨૦૧૯ સુધી દરેક હિન્દુસ્તાનીનો સ્વભાવ બનવો જોઈએ.’

વડા પ્રધાને ગાંધીજીના જીવન પર શ્રીમદ રાજચંદ્રજીના પ્રભાવની વાત કરીને રાજચંદ્ર મિશનના કાર્યની સરાહના કરી હતી.

આ પ્રસંગે શ્રીમદ રાજચંદ્ર મિશનના ગુરુદેવ રાકેશભાઈએ આશીર્વચન આપતાં કહ્યું હતું કે ‘શ્રીમદ રાજચંદ્રજીના સન્માનમાં ભારત સરકાર દ્વારા સ્મૃતિ-સિક્કા અને ટપાલટિકિટનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિમોચન કર્યું એ અમારા સૌ માટે પ્રોત્સાહન બની રહેશે. આવા આધ્યાત્મિક રંગે રંગાયેલા રાજપુરુષ એ ખરેખર ભારતનું સદ્નસીબ છે. સંતો, મહંતો, ઋષિઓ પ્રત્યે આદરભાવ, ભારતીય સંસ્કૃતિનાં મૂળ તત્વોનું જ્ઞાન તથા દેશને વિકાસના રાહે દોરવાની સમર્થતા આ બાબતોનો સમન્વય નરેન્દ્ર મોદીમાં દૃષ્ટિગોચર થાય છે.’


મોદીની ચેતવણી બહેરા કાને : તેમની સ્પીચ પછી ઝારખંડમાં ગોરક્ષકોના ટોળાએ એકને ખતમ કર્યો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં ગોરક્ષા કે ગોભક્તિને નામે માણસોની હત્યા કદાપિ ચલાવી નહીં લેવાની જાહેરાત કર્યાના થોડા કલાકોમાં ઝારખંડના રામગઢ જિલ્લામાં ગોરક્ષકોએ એક જણને મારી નાખ્યો હતો. મારુતિ વૅનમાં જતા અલીમુદ્દીન ઉર્ફે અસગર અન્સારી નામની વ્યક્તિ ગોમાંસ લઈ જતી હોવાની શંકા પરથી ઝનૂની ટોળાએ તેને અટકાવીને જીવલેણ મારઝૂડ કરતાં અલીમુદ્દીન મૃત્યુ પામ્યો હતો. ઝનૂની ટોળોએ અલીમુદ્દીનની વૅનને બાળી નાખી હતી.

પોલીસ-જવાનો મારઝૂડ કરતા ઝનૂની ટોળાને વિખેરીને અલીમુદ્દીનને હૉસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં સારવાર દરમ્યાન તે મૃત્યુ પામતાં પોલીસે પૂર્વયોજિત હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસ-ટીમ અલીમુદ્દીનના મૃતદેહ સાથે રામગઢ પોલીસ-સ્ટેશનમાં પાછી ફરી ત્યારે સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ હતી. પોલીસ-સ્ટેશનની બહાર લોકોનાં ટોળાં ભેગાં થઈ ગયાં હતાં.