કોલકાતા: ઘોંઘાટથી કંટાળીને ચોથા માળેથી પાડોશીના બાળકો ફેંક્યા નીચે

15 June, 2020 08:17 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

કોલકાતા: ઘોંઘાટથી કંટાળીને ચોથા માળેથી પાડોશીના બાળકો ફેંક્યા નીચે

પ્રતીકાત્મક તસવીર

પશ્ચિમ બંગાળના કોલકાતામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ પોતાના પાડોશીના બે બાળકોને ચોથા માળેથી નીચે ફેંકી દીધા. તેણે આ એટલા માટે કર્યું કારણકે તે બાળકોની મસ્તીથી કંટાળી ગયો હતો. બાળકો તેના ઘરની બહાર અવાજ કરતા હતા અને તે આ અવાજથી હેરાન થતો હતો. ગુસ્સે ભરાઇને તેણે બન્ને બાળકોને નીચે ફેંકી દીધા. એક બાળકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું. જ્યારે બીજું બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

ઘટના બડાબજાર વિસ્તારની છે. પોલીસે જણાવ્યું કે એનએસ રોડના નંદરામ માર્કેટ પાસે એક સો વર્ષ જૂની ચૉલ છે. અહીં રહેનારા શિબ કુમાર ગુપ્તા અને બુધાના શાહ બન્ને આ ચૉલમાં ભાડેથી રહે છે. ટ્રાન્સપોર્ટરનું કામ કરતા બુધાનાને બે દીકરા, દોઢ વર્ષનો શિવમ અને સાત વર્ષનો વિશાલ હતા. શિબ કુમાર અને બુધાનાના બાળકોને લઈને ઘણીવાર ઝગડા થતા હતા.

બાળકોના રમવાને લઈને ઘણીવાર થયો હતો વિવાદ
હાર્ડવેયરની દુકાન ચલાવનાર શિબ કુમારે જણાવ્યું કે ઘણીવાર બાળકોને અને તેના પરિવારને કહ્યું કે તેના દરવાજાની બહાર તેને રમવા ન દે. બાળકો દરવાજાની બહાર અવાજ કરતા હતા જેનાથી તે હેરાન થતો હતો. શિબ કુમાર અને બુધાના વચ્ચે ઝગડા દરમિયાન શિબએ તેને ચેતવણી પણ આપી હતી કે જો તેણે બાળકોને રોક્યા નહીં તો તે બાળકોને ઉપાડીને બાલકનીમાંથી નીચે ફેંકી દેશે.

'બૉલથી રમવાથી દિવાલ ખરાબ થતી હતી'
રવિવારે સાંજે બાળકો જ્યારે ફરી શિબના દરવાજાની બહાર રમતા હતા. દરમિયાન બૉલ શિબના દરવાજા પર લાગ્યો. શિબે જણાવ્યું કે બાળકોના બૉલથી તેના ઘરની દિવાલ ખરાબ થતી હતી. તેણે ગુસ્સામાં બાળકોને ઉપાડીને બાલકનીમાંથી બહાર નીચે ફેંકી દીધા. પછી તેને અહેસાસ થયો કે તેણે સારું નથી કર્યું.

એક બાળક રસ્તા પર તો બીજાની ડોકમાં તાર ફસાઇ અને લટક્યો
લોકોએ જણાવ્યું કે તેમણે અવાજ સાંભળ્યો તો તે ભાગીને ઘટનાસ્થળે પહોંચ્યા. તેમણે જોયું કે દોઢ વર્ષનો શિવમ રસ્તા પર પડ્યો છે. તો સાત વર્ષનો વિશાલ સ્ટોરના ટિન શેડની ઉપર પડ્યો હતો. તેની ડોક ત્યાં રહેલા તારમાં ફસાઇ ગઈ હતી. સ્થાનિક રહેવાસી રંજીત સોનકરે જણાવ્યું, "જ્યારે અમે બહાર આવ્યા તો જોયું કે બન્ને બાળકોના શરીરમાંથી ખૂબ જ લોહી નીકળતું હતું, અમે લોકોએ તેમને હૉસ્પિટલ લઈ જવા માટે ઉપાડ્યા તો ખબર પડી કે શિવમનું મૃત્યુ થઈ ગયું છે. જો કે અમે બન્નેને હૉસ્પિટલ લઈ ગયા. જ્યાં વિશાલની સારવાર થઈ રહી છે. તેની સ્થિતિ ગંભીર છે."

Crime News kolkata national news