મોદીની સાંસદ આદર્શ ગ્રામ યોજનામાં મમતા બૅનરજીએ મારી ફાચર

05 December, 2014 04:47 AM IST  | 

મોદીની સાંસદ આદર્શ ગ્રામ યોજનામાં મમતા બૅનરજીએ મારી ફાચર


તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં પશ્ચિમ બંગને નુકસાન થઈ રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાંસદ આદર્શ ગ્રામ યોજના પશ્ચિમ બંગમાં શરૂ જ થઈ નથી શકી. વડા પ્રધાનની આ યોજનાને મહત્વ નહીં આપવાની સૂચના મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ TMCના સંસદસભ્યોને આપી છે. 

પશ્ચિમ બંગના લોકસભાના ૪૨ અને રાજ્યસભાના ૧૬ સંસદસભ્યો પૈકીના માત્ર બે સંસદસભ્યોએ જ વડા પ્રધાનની યોજના હેઠળ ગામ દત્તક લીધાં છે. એ બેમાં ગ્થ્ભ્ના એસ. એસ. અહલુવાલિયા અને TMCના સુલતાન અહમદનો સમાવેશ થાય છે. જોકે પશ્ચિમ બંગના માર્ક્સવાદી પક્ષે કે કૉન્ગ્રેસના સંસદસભ્યોએ કોઈ ગામ દત્તક લીધું છે કે કેમ એની માહિતી નથી મળી.

પોતાના મતવિસ્તારમાંનું કોઈ ગામ દત્તક લીધું હોય એવા TMCના એકમાત્ર સંસદસભ્ય સુલતાન અહમદ છે. દાર્જીલિંગના ગ્થ્ભ્ના સંસદસભ્ય એસ. એસ. અહલુવાલિયાએ નક્સલબાડી જિલ્લાના હાથીઘીસા પંચાયત બ્લૉકને અને સુલતાન અહમદે હાવડા જિલ્લાના બનિયન ગામને દત્તક લીધું છે.

સંસદમાં પશ્ચિમ બંગના કુલ ૫૮ સંસદસભ્યો પૈકીના ૪૬ TMCના  છે. એ ૪૬ પૈકીના ૩૪ લોકસભામાં અને ૧૨ રાજ્યસભામાં સંસદસભ્યો છે. કૉન્ગ્રેસના લોકસભામાં ચાર અને રાજ્યસભામાં એક સંસદસભ્ય છે, જ્યારે માર્ક્સવાદી પક્ષના લોકસભામાં બે અને રાજ્યસભામાં ત્રણ સંસદસભ્યો છે.

કેટલાં રાજ્યોમાં ગામ દત્તક લેવાયાં?

પશ્ચિમ બંગથી વિપરીત દેશનાં અન્ય રાજ્યોમાં સંસદસભ્યોએ વડા પ્રધાનની યોજના હેઠળ ગામો દત્તક લેવામાં ઉત્સાહ દેખાડ્યો છે. ગુજરાતમાં ૩૬, મહારાષ્ટ્રમાં ૬૬, હરિયાણામાં ૧૩, રાજસ્થાનમાં ૩૧, ઉત્તર પ્રદેશમાં ૮૪, બિહારમાં ૪૭, આસામમાં ૧૩, છત્તીસગઢમાં ૧૩, કેરળમાં ૨૮ અને તામિલનાડુમાં ૪૪ સંસદસભ્યો તેમના મતવિસ્તારમાંનાં ગામો દત્તક લઈ ચૂક્યાં છે.