સરકાર ગબડાવવા મમતા બૅનરજી મક્કમ

19 November, 2012 07:21 AM IST  | 

સરકાર ગબડાવવા મમતા બૅનરજી મક્કમ



તૃણમૂલ કૉન્ગ્રેસે મનમોહન સિંહ સરકાર વિરુદ્ધ સંસદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની જાહેરાત કરી છે ત્યારે પાર્ટીનાં વડાં મમતા બૅનરજીએ એ પ્રસ્તાવને ટેકો આપવા માટે લોકસભામાં વિપક્ષનાં નેતા સુષમા સ્વરાજની મદદ માગી છે. ગઈ કાલે મમતા બૅનરજીએ સુષમા સ્વરાજને ફોન કરીને તેમની સાથે  વાત કરી હતી. બીજેપીના નેતા મુરલી મનોહર જોશીએ આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે બાળ ઠાકરેના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા મુંબઈ જવાનું હોવાથી સુષમા સ્વરાજે તૃણમૂલ કૉન્ગ્રેસનાં સુપ્રીમોને કહ્યું હતું કે દિલ્હી પાછા ફર્યા બાદ તેઓ આ મુદ્દે બેસીને વિસ્તૃત ચર્ચા કરશે. જોશીએ એમ પણ કહ્યું હતું કે એક કે બે દિવસમાં એનડીએની બેઠક મળશે જેમાં મમતા બૅનરજીની પાર્ટીના અવિશ્વાસના પ્રસ્તાવને ટેકો આપવો કે નહીં એ વિશે નિર્ણય લેવામાં આવશે.

મલ્ટિ-બ્રૅન્ડ રીટેલમાં એફડીઆઇ તથા ભ્રષ્ટાચારના મુદ્દે મમતા બૅનરજીની પાર્ટીએ યુપીએ સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવાની જાહેરાત કરી હતી. મમતાએ કહ્યું હતું કે ૨૨ નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રના પહેલા જ દિવસે તેમની પાર્ટી અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરશે. મમતાએ આ પ્રસ્તાવને સપોર્ટ કરવા યુપીએને બહારથી ટેકો આપેલી રહેલી સમાજવાદી પાર્ટી તથા બીએસપીને અપીલ કરી હતી. મમતા બૅનરજીએ આ મુદ્દે ડાબેરી પક્ષોનો પણ ટેકો માગ્યો હતો.

મુરલી મનોહર જોશીએ ગઈ કાલે કલકત્તામાં પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે એફડીઆઇનો વિરોધ કરવો એ યોગ્ય વલણ છે, પણ જો તૃણમૂલ કૉન્ગ્રેસ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરશે તો એનું પરિણામ પણ એમની જ જવાબદારી ગણાશે. તૃણમૂલ કૉન્ગ્રેસ પાસે પૂરતી સંખ્યામાં સંસદસભ્યો નથી એટલે પ્રસ્તાવને સફળ બનાવવા તેમણે અન્ય પાર્ટીઓની મદદ લેવી પડશે.

દીદીને સપોર્ટ આપતાં કેમ અચકાય છે વિપક્ષ?


મલ્ટિ-બ્રૅન્ડ રીટેલમાં એફડીઆઇ તથા ભ્રષ્ટાચારના મુદ્દે તૃણમૂલ કૉન્ગ્રેસ, બીજેપી સહિતના તમામ વિરોધ પક્ષો વચ્ચે એકમત છે એટલું જ નહીં; યુપીએને બહારથી ટેકો આપતી સમાજવાદી પાર્ટી અને બીએસપી પણ આ મુદ્દે સરકારની વિરુદ્ધ છે. જોકે તૃણમૂલ કૉન્ગ્રેસના અવિશ્વાસના પ્રસ્તાવને સપોર્ટ કરતાં બીજેપી સહિતના મોટા ભાગના વિરોધ પક્ષો અચકાઈ રહ્યા છે. એનું કારણ સમજાવતાં બીજેપીના નેતા મુરલી મનોહર જોશીએ ગઈ કાલે કલકત્તામાં કહ્યું હતું કે ‘જો અવિશ્વાસના પ્રસ્તાવને પૂરતી સંખ્યામાં સંસદસભ્યો ટેકો ન આપે તો આ પ્રસ્તાવ નિષ્ફળ નીવડશે અને એ પછી આગામી છ મહિના સુધી સરકાર સુરક્ષિત થઈ જશે, કારણ કે બંધારણીય જોગવાઈ મુજબ છ મહિના સુધી સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો એક પણ પ્રસ્તાવ રજૂ કરી શકાશે નહીં અને જો અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થઈ જશે તથા સરકાર પડી જશે તો એ પછી શું થશે એને લઈને પણ ચર્ચા જરૂરી છે.’