મમતાના અવિશ્વાસ પ્રસ્તાવને સપોર્ટ આપવાનો ડાબેરીઓએ કર્યો ઇનકાર

20 November, 2012 06:00 AM IST  | 

મમતાના અવિશ્વાસ પ્રસ્તાવને સપોર્ટ આપવાનો ડાબેરીઓએ કર્યો ઇનકાર



મલ્ટિ-બ્રૅન્ડ રીટેલમાં એફડીઆઇ તથા ભ્રષ્ટાચાર સહિત મુદ્દે યુપીએ સરકાર સામે અવિશ્વાસનો મત રજૂ કરવાની જાહેરાત કરનાર તૃણમૂલ કૉન્ગ્રેસનાં સુપ્રીમો મમતા બૅનરજીને ગઈ કાલે મોટો ઝટકો લાગ્યો હતો. અગ્રણી ડાબેરી પક્ષ સીપીએમે ગઈ કાલે તૃણમૂલ કૉન્ગ્રેસના અવિશ્વાસના પ્રસ્તાવને ટેકો આપવાનો ઇનકાર કરી દીધો હતો. સીપીએમના મહામંત્રી પ્રકાશ કરાતે ગઈ કાલે આ જાહેરાત કરતાં કહ્યું હતું કે સરકાર પાસે પૂરતી સભ્ય સંખ્યા હોવાથી આ પ્રકારના પ્રસ્તાવનો ફાયદો માત્ર યુપીએને જ મળશે. કરાતે સરકારને ઘેરવા માટે અન્ય વિકલ્પો અજમાવાની તરફેણ કરી હતી. તૃણમૂલ કૉન્ગ્રેસે કરાતના નિવેદનને શરમજનક ગણાવ્યું હતું.

બહુમતનો કૉન્ગ્રેસનો દાવો

આ તરફ કૉન્ગ્રેસે લોકસભામાં યુપીએ પાસે પૂરતી સંખ્યામાં સભ્યો હોવાનો દાવો કરતાં કહ્યું હતું કે જો એફડીઆઇ કે અન્ય મુદ્દે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ થશે તો સરકાર બહુમત પુરવાર કરી બતાવશે. કૉન્ગ્રેસના પ્રવક્તા સંદીપ દીક્ષિતે કહ્યું હતું કે ‘અમારી પાસે ૨૭૨ સભ્યોનો ટેકો છે. બહુમત પુરવાર કરવાનો અમને વિશ્વાસ છે.’

દીક્ષિતે એમ પણ કહ્યું હતું કે ‘અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવા માટે ૫૪ સંસદસભ્યોની સહી જરૂરી છે. તૃણમૂલ કૉન્ગ્રેસ માત્ર ૧૯ સભ્યો ધરાવે છે ત્યારે તેમને પ્રસ્તાવ રજૂ કરવા માટે પણ સપોર્ટ મળશે કે નહીં એ સવાલ છે.’

બીજેપી આજે લેશે નિર્ણય

મમતા બૅનરજીની પાર્ટીના સંભવિત અવિશ્વાસ પ્રસ્તાવને સંસદમાં ટેકો આપવો કે નહીં એ વિશે બીજેપી આજે નિર્ણય લેશે એવી શક્યતા છે. બીજેપીના પ્રવક્તા પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે આજે સવારે ૧૧ કલાકે એલ. કે. અડવાણીના નિવાસસ્થાને મળનારી બીજેપી સંસદીય પક્ષની બેઠકમાં વિશે ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવશે. ૨૨ નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રના આગલા દિવસે એનડીએની બેઠક મળશે, જેમાં પણ આ મુદ્દે ચર્ચા થશે.