બંગાળમાં હવે મમતા જ તમામ યુનિવર્સિટીઓનાં ચાન્સેલર

27 May, 2022 11:16 AM IST  |  Kolkata | Agency

આ નિર્ણયની સાથે જ રાજ્યપાલ અને રાજ્ય સરકાર વચ્ચેની લડાઈ વધુ તીવ્ર બનવાની શક્યતા

મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળમાં મમતા બૅનરજીની સરકારે ગઈ કાલે ઐતિહાસિક નિર્ણય કર્યો હતો. રાજ્ય સરકારે બંગાળમાં રાજ્ય દ્વારા સંચાલિત તમામ યુનિવર્સિટીઓના ચાન્સેલર રાજ્યપાલને બદલે મુખ્ય પ્રધાનને બનાવવા માટે વિધાનસભામાં એક બિલ રજૂ કરવાનો નિર્ણય કર્યો છે.   
છેલ્લા કેટલાક સમયથી શાસક તૃણમૂલ કૉન્ગ્રેસનું સુકાન સંભાળી રહેલાં બૅનરજી અને રાજ્યપાલ જગદીપ ધનકર વચ્ચે લડાઈ ચાલી રહી છે ત્યારે આ પગલાથી ચોક્કસ એ વધુ તીવ્ર બનશે. રાજ્યના શાસક પક્ષના નેતાઓ અવારનવાર એવો આરોપ મૂકતા રહ્યા છે કે રાજ્યપાલ મહત્ત્વના મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર સાથે મળીને મમતા બૅનરજી સરકારને હેરાન કરે છે. 
બંગાળના શિક્ષણપ્રધાન બ્રત્ય બાસુએ કહ્યું હતું કે ‘રાજ્યની કૅબિનેટે રાજ્યપાલને બદલે મુખ્ય પ્રધાનને સરકાર દ્વારા સંચાલિત તમામ યુનિવર્સિટીઓનાં ચાન્સેલર બનાવવા માટેની દરખાસ્તને એની મંજૂરી આપી છે. આ દરખાસ્ત ટૂંક સમયમાં વિધાનસભામાં બિલ તરીકે રજૂ કરવામાં આવશે.’
આ વર્ષે જાન્યુઆરીમાં ધનકરે આરોપ મૂક્યો હતો કે બંગાળમાં ૨૫ સરકારી યુનિવર્સિટીઓનાં વાઇસ ચાન્સેલરની તેમની મંજૂરી વિના જ નિમણૂક કરવામાં આવી હતી. 
જોકે મમતા બૅનરજી સરકારે દાવો કર્યો હતો કે રાજ્યપાલે સર્ચ કમિટી દ્વારા પસંદ કરાયેલા વાઇસ ચાન્સેલર્સના નામને મંજૂર કરવા જોઈતા હતા. જો તેઓ ના પાડે તો શિક્ષણ વિભાગ પાસે એના નિર્ણયનો અમલ કરવાનો અધિકાર છે.

national news mamata banerjee bengal