મમતાએ અમિત શાહનું રાજીનામું માગ્યું, આજે સમગ્ર રાજ્યમાં કરશે વિરોધ-પ્રદર્શન

11 April, 2021 11:36 AM IST  |  Baduria | Agency

રાજ્યના પોલીસ તંત્રે જણાવ્યું હતું કે સ્થાનિકોએ સરકારી સુરક્ષા દળો પર હુમલો કરીને શસ્ત્રો છીનવી લેવાનો પ્રયાસ કર્યા પછી  જવાનોને ગોળીબાર કરવાની ફરજ પડી હતી.

મમતા બૅનરજી

બદુરિયા : (પી.ટી.આઇ.) પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ કૂચ બિહારના સીતલકૂચીમાં સીઆઇએસએફના જવાનોના ગોળીબારમાં ચાર જણનાં મોતની ઘટના બદલ કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહના રાજીનામાની માગણી કરી હતી. ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના બદુરિયામાં વિધાનસભાની ચૂંટણીની પ્રચાર સભાને સંબોધતાં મમતા બૅનરજીએ કૂચ બિહારના મૃત્યુને ઠંડેકલેજે કરવામાં આવેલી હત્યા ગણાવતાં તેના વિરોધમાં રવિવારે રાજ્યવ્યાપી આંદોલન કરવાની જાહેરાત કરી હતી. જોકે રાજ્યના પોલીસ તંત્રે જણાવ્યું હતું કે સ્થાનિકોએ સરકારી સુરક્ષા દળો પર હુમલો કરીને શસ્ત્રો છીનવી લેવાનો પ્રયાસ કર્યા પછી  જવાનોને ગોળીબાર કરવાની ફરજ પડી હતી.
ગઈ કાલે મમતા બૅનરજીએ બદુરિયાથી રવાના થયા પછી કેટલીક જાહેર સભાઓને સંબોધન કર્યા બાદ કૂચ બિહારમાં ચોથા તબક્કાના મતદાન દરમ્યાન સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યૉરિટી ફોર્સ (સીઆઇએસએફ)ના જવાનોએ કરેલા ગોળીબારના સ્થળની મુલાકાત લેવાની જાહેરાત કરી હતી. મમતાદીદીએ જણાવ્યું હતું કે ‘કૂચ બિહારમાં સીઆઇએસએફના જવાનોનો ગોળીબાર અણધાર્યું, નિર્દયતાભર્યું અને ઠંડેકલેજે હત્યાનું કૃત્ય હતું. રાજ્યની જનતાને શાંતિ જાળવવાની અપીલ કરું છું. એ ઘટનાના વિરોધમાં તૃણમૂલ કૉન્ગ્રેસ રવિવારે રાજ્યવ્યાપી આંદોલન કરશે. આંદોલનના ભાગરૂપે અમારા પક્ષના કાર્યકરો કાળા બિલ્લા પહેરીને વિરોધ-પ્રદર્શન કરશે.’   

સીઆઇડી તપાસનો આદેશ
કૂચબિહારમાં થયેલી ગોળીબારની ઘટનામાં સીઆઇએસએફે આત્મરક્ષણ માટે ગોળીબાર કર્યાનું કહેતાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ સમગ્ર મામલે સીઆઇડી તપાસનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું હતું કે હિંસાની ઘટના થઈ હોવાનો કોઈ પુરાવો નથી. 

national news kolkata mamata banerjee