મમતાએ રણમેદાન બદલ્યું

06 March, 2021 01:12 PM IST  |  Kolkata | Agencies

મમતાએ રણમેદાન બદલ્યું

મમતાએ રણમેદાન બદલ્યું

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ૨૯૪ બેઠકોની આગામી એપ્રિલ મહિનામાં યોજાનારી ચૂંટણી માટે ૨૯૧ બેઠકો પર તૃણમૂલ કૉન્ગ્રેસ (ટીએમસી)ના ઉમેદવારોનાં નામોની યાદી રાજ્યનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ ગઈ કાલે જાહેર કરી હતી. મમતા બૅનરજી પોતે ભવાનીપુરને બદલે નંદીગ્રામમાંથી ચૂંટણી લડશે.
ટીએમસી આ સાથે ફુલ સર્કલ નોંધાવશે. ઘણાં વર્ષ પહેલાં ટીએમસીએ ખેડૂતોની ચળવળના કેન્દ્રબિંદુ સમા નંદીગ્રામમાંથી બંગાળના રાજકારણમાં કૂચ શરૂ કરી હતી અને હવે આ પક્ષનો બેઝ ભવાનીપુરથી જાણે ફરી નંદીગ્રામ ખાતે બની રહ્યો છે.
ટીએમસી છોડીને બીજેપીમાં જોડાયેલા સુવેન્દુ અધિકારી માટે નંદીગ્રામ ગઢ છે એટલે એવું કહેવાય છે કે મમતા બૅનરજી તેમને તેમના ગઢમાં પડકારવા માગે છે. આ હાઈ-પ્રોફાઇલ સંઘર્ષ બની રહેશે. જોકે પોતે ભવાનીપુરમાંથી પણ ચૂંટણી લડશે એવું બૅનરજીએ ગઈ કાલે એક મુલાકાતમાં કહ્યું હતું.
આ બધું જોતાં નંદીગ્રામની ચૂંટણી બૅનરજી અને સુવેન્દુ અધિકારી વચ્ચેની અંગત લડાઈ બની રહેશે. મમતા ૨૦૧૧ અને ૨૦૧૬ની ચૂંટણીમાં ભવાનીપુરની બેઠક પર જીત્યાં હતાં.
બીજી બાજુ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે બીજેપીનું એવું માનવું છે કે મમતા બૅનરજીએ ભવાનીપુરની પોતાની પરંપરાગત બેઠક છોડીને નંદીગ્રામને પસંદ કર્યું એ જ બતાવે છે કે તેમણે અત્યારથી હાર સ્વીકારી લીધી છે.
અન્ય ત્રણ બેઠકો તૃણમૂલ કૉન્ગ્રેસના સહયોગી પક્ષ ગોરખા જનમુક્તિ મોરચાના બિમલ ગુરુંગ જૂથને ફાળવવામાં આવી છે. એ ત્રણેય બેઠકો દાર્જીલિંગની છે. તૃણમૂલ કૉન્ગ્રેસની યાદીમાં યુવાનો, લઘુમતી સમુદાયો, મહિલાઓ અને પછાત વર્ગોને પ્રાથમિકતા આપવામાં આવી છે.
મમતા બૅનરજીએ ઉમેદવારોની યાદી જાહેર કરતાં જણાવ્યું હતું કે ‘આ વખતે અમે વધુમાં વધુ યુવાનો અને મહિલાઓને ઉમેદવારી આપી છે. હાલના ૨૩-૨૪ વિધાનસભ્યોને આગામી ચૂંટણીની ટિકિટ આપી નથી. યાદીમાં ૫૦ મહિલાઓ, ૪૨ મુસ્લિમો, ૭૯ અનુસૂચિત જાતિના અને ૧૭ અનુસૂચિત જનજાતિના લોકોનો સમાવેશ છે.’

national news kolkata mamata banerjee