બીજેપી સામે એક થવા મમતાનો પાંચ મુખ્ય પ્રધાનો સહિત ૧૫ નેતાઓને પત્ર

01 April, 2021 12:03 PM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

લેટરમાં લખ્યું, ‘લોકશાહી બચાવવા સંગઠિત થવાનો સમય હવે આવી ગયો’

મમતા બૅનરજી

બંગાળમાં બીજા તબક્કાના મતદાનથી એક દિવસ પહેલાં તૃણમૂલ કૉન્ગ્રેસનાં ચીફ મમતા બૅનરજીએ બુધવારે વિપક્ષી દળોના નેતાઓને ચિઠ્ઠી લખી હતી. આ ચિઠ્ઠી દ્વારા મમતાએ લોકશાહી બચાવવા માટે વિપક્ષી દળોને એક થવાની અપીલ કરી હતી. નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર મંગળવાર સાંજે ખતમ થયા બાદ મમતાએ બીજેપી સિવાયના નેતાઓને વ્યક્તિગત રીતે આ પત્ર લખ્યો હતો.

મમતાએ ચિઠ્ઠીમાં લોકશાહીને બચાવવા માટે તમામ વિરોધી દળોને બીજેપીની વિરુદ્ધ એક થવાની વાત કહી છે. મમતા તરફથી વિપક્ષના ૧૫ નેતાઓને આ પત્ર લખવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન મમતાએ પત્રમાં લખ્યું છે કે ‘મારું માનવું છે કે લોકશાહી અને સંવિધાન પર બીજેપીના હુમલાની વિરુદ્ધ એક થવાનો અને પ્રભાવશાળી સંઘર્ષ કરવાનો સમય આવી ગયો છે.’ મમતાએ જે નેતાઓને પત્ર લખ્યો છે એમાં કૉન્ગ્રેસ નેતા સોનિયા ગાંધી અને અરવિંદ કેજરીવાલ જેવા નેતાઓનાં નામ મુખ્ય છે. દેશના પાંચ મુખ્ય પ્રધાનો સહિત અનેક નેતાઓને પત્ર લખવામાં આવ્યો છે.

કૉન્ગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી ઉપરાંત મમતા બૅનરજીએ એનસીપી નેતા શરદ પવાર, ડીએમકે પ્રમુખ એમ.કે. સ્ટાલિન, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, આરજેડી નેતા તેજસ્વી યાદવ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક, આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન જગન રેડ્ડી ઉપરાંત કે.એસ. રેડ્ડી, ફારુક અબદુલ્લા, મહેબૂબા મુફ્તી અને શ્રી દીપાંકર ભટ્ટાચાર્યને પણ પત્ર લખ્યો છે.

national news kolkata mamata banerjee