21 March, 2026 09:32 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે મમતા બૅનરજીએ પશ્ચિમ બંગાળના વિકાસ માટે તૃણમૂલ કૉન્ગ્રેસનો ચૂંટણીઢંઢેરો બહાર પાડ્યો હતો
પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ વિધાનસભાની આગામી ચૂંટણી માટે પોતાની પાર્ટી તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC)નો ચૂંટણીઢંઢેરો જાહેર કરીને રાજ્યમાં ફરી સત્તા મેળવવા માટે વચનોનો પટારો ખોલ્યો છે. મમતા બૅનરજીએ આ જાહેરનામા દ્વારા મહિલાઓ, યુવાનો અને ખેડૂતોને આકર્ષવા માટે મોટી આર્થિક જાહેરાતો કરી છે, જેમાં પ્રખ્યાત ‘લક્ષ્મી ભંડાર યોજના’ હેઠળ મળતી સહાયમાં સીધો ૫૦૦ રૂપિયાનો વધારો કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
નવા ચૂંટણીઢંઢેરા મુજબ જો બંગાળમાં ફરી તૃણમૂલની સરકાર બનશે તો સામાન્ય કૅટેગરીની મહિલાઓને હવે દર મહિને ૧૦૦૦ રૂપિયાને બદલે ૧૫૦૦ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે. એવી જ રીતે SC/ST કૅટેગરીની મહિલાઓ માટે માસિક સહાય ૧૨૦૦ રૂપિયાથી વધારીને ૧૭૦૦ રૂપિયા કરવામાં આવશે. રાજ્યમાં સતત વધી રહેલા રોજગારીના પ્રશ્નો અને વિપક્ષોના ઘેરાવ વચ્ચે મમતા બૅનરજીએ માસ્ટરસ્ટ્રોક રમતાં બેરોજગાર યુવાનો માટે પણ વિશેષ આર્થિક પૅકેજની જાહેરાત કરી છે જે અંતર્ગત રાજ્યના બેરોજગાર યુવાનોને દર મહિને ૧૫૦૦ રૂપિયા એટલે કે વાર્ષિક ૧૮,૦૦૦ રૂપિયા પૉકેટ મની તરીકે આપવાનું વચન આપવામાં આવ્યું છે.
ખેડૂતો અને ભૂમિહીન મજૂરોની આર્થિક સ્થિતિ સુધારવા માટે ૩૦,૦૦૦ કરોડ રૂપિયાનું જંગી કૃષિ બજેટ ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે.
રાજ્યના દરેક પરિવારને પોતાનું ‘પાકું ઘર’ આપવાનું લક્ષ્ય અને દરેક ઘરમાં નળ વાટે શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાની ખાતરી પણ આપવામાં આવી છે.
દરેક બ્લૉક અને શહેરમાં વર્ષમાં બે વાર મફત આરોગ્ય કૅમ્પ યોજાશે અને ઘરે-ઘરે સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
સરકારી શાળાઓનું આધુનિકીકરણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, વરિષ્ઠ નાગરિકો માટે પેન્શન યોજનાનું વિસ્તરણ અને વહીવટી સરળતા માટે રાજ્યમાં ૭ નવા જિલ્લાઓની રચના કરવામાં આવશે.
બંગાળને વ્યાપારી હબ બનાવવા માટે લૉજિસ્ટિક્સ, પોર્ટ અને ગ્લોબલ ટ્રેડ સેન્ટર સ્થાપવાનો રોડમૅપ પણ રજૂ કરવામાં આવ્યો છે.
ચૂંટણીપંચે ગુરુવારે પશ્ચિમ બંગાળમાં બે વરિષ્ઠ પોલીસ અધિકારીઓની બદલીને અટકાવી દીધી હતી અને ૩ અન્ય અધિકારીઓની બદલી મુલતવી રાખી હતી. આમ ચૂંટણીપંચ દ્વારા ૧૫ ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) અધિકારીઓને ચૂંટણીલક્ષી રાજ્યમાંથી બહાર કાઢવાના વિવાદાસ્પદ આદેશને આંશિક રીતે પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.
આ નિર્ણય એવા દિવસે આવ્યો હતો જ્યારે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ મુખ્ય ચૂંટણી-કમિશનર જ્ઞાનેશકુમારને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે ચૂંટણીપંચે શિષ્ટતા અને બંધારણીય યોગ્યતાની બધી સીમાઓ ઓળંગી છે.
વિધાનનગરના પોલીસ-કમિશનર મુરલી ધર અને સિલિગુડીના પોલીસ-કમિશનર સૈયદ વકાર રઝા તેમના વર્તમાન પદ પર ચાલુ રહેશે. બીજી તરફ આકાશ મગરિયા, અમનદીપ અને પ્રવીણકુમાર ત્રિપાઠી એમ ત્રણ અધિકારીઓની ટ્રાન્સફરને હોલ્ડ પર રાખવામાં આવી છે. તેમની નિમણૂક અંગે સોમવાર સુધીમાં નિર્ણય લેવામાં આવશે, જ્યારે બાકીના અધિકારીઓને ચૂંટણી નિરીક્ષક તરીકે તામિલનાડુ અને કેરલમ મોકલવામાં આવશે.