સંસદમાં પહેલા જ દિવસે દીદીનો ફ્લૉપ શો

23 November, 2012 05:44 AM IST  | 

સંસદમાં પહેલા જ દિવસે દીદીનો ફ્લૉપ શો



ગઈ કાલથી શરૂ થયેલા સંસદના શિયાળુ સત્રનો પહેલો દિવસ વિવિધ મુદ્દે વિરોધ પક્ષોના ભારે હોબાળાને કારણે ધોવાઈ ગયો હતો. મમતા બૅનરજીની પાર્ટી તૃણમૂલ કૉન્ગ્રસે એફડીઆઇને મુદ્દે યુપીએ સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવા નોટિસ આપી હતી, પણ પૂરતું સંખ્યાબળ નહીં હોવાથી સરકારના પાયા હચમચાવવાની તેમની યોજના પર પાણી ફરી વળ્યું હતું. લોકસભામાં તૃણમૂલ કૉન્ગ્રેસના સભ્યોની સંખ્યા ૧૯ છે, જ્યારે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવા માટે તેમણે ઓછામાં ઓછા ૫૪ સભ્યોનો સર્પોટ જરૂરી છે, જે નહીં મળતાં પ્રસ્તાવ પડી ભાંગ્યો હતો. આ તરફ બીજેપીએ સંસદમાં વોટિંગની જોગવાઈ સાથે એફડીઆઇને મુદ્દે ચર્ચાની માગણી કરી હતી. તો બીએસપી અને સમાજવાદી પાર્ટીના સભ્યોએ પણ રસોઈ ગૅસના સિલિન્ડરોની સંખ્યા પર મુકાયેલાં નિયંત્રણો અને ડીઝલના ભાવવધારા મુદ્દે બન્ને ગૃહમાં ઉગ્ર દેખાવ કરીને સંસદ ચાલવા દીધી ન હતી. સરકારે નારાજ વિપક્ષને મનાવવા માટે હવે સોમવારે ઑલ પાર્ટી મીટિંગ બોલાવી છે.

નારાજ થયાં મમતા બૅનરજી

બીજેપી અને ડાબેરી પાર્ટીઓનો ટેકો નહીં મળતાં લોકસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવાની તૃણમૂલ કૉન્ગ્રેસની યોજના પડી ભાંગી હતી. બાદમાં નારાજ થયેલાં મમતા બૅનરજીએ ફેસબુક પર તેમના પેજમાં ઊભરો ઠાલવ્યો હતો. મમતાએ કહ્યું હતું કે સરકારને બચાવી રહેલી પાર્ટીઓનો ચહેરો ખુલ્લો પડી ગયો છે. બીજેપીએ અવિશ્વાસના પ્રસ્તાવને ટેકો આપવો કે નહીં એ વિશે છેક છેલ્લે સુધી સસ્પેન્સ જાળવ્યું હતું, જ્યારે ડાબેરીઓએ પહેલેથી જ તેને ટેકો નહીં આપવાની જાહેરાત કરી દીધી હતી.

ચર્ચાની બીજેપીની માગણી

બીજેપીએ એફડીઆઇને મુદ્દે નિયમ ૧૮૪ હેઠળ વોટિંગની જોગવાઈ સાથે ચર્ચાની માગણી કરી હતી. ડાબેરી મોરચાએ પણ આ જ નિયમ હેઠળ ચર્ચા કરવાની માગણી કરી છે ત્યારે હવે આ મુદ્દે સરકાર પર દબાણ વધ્યું છે. લોકસભાનાં સ્પીકર મીરાકુમારે આ માગણી પર વિચારણા થઈ રહી છે એમ કહ્યું હતું. લોકસભામાં વિપક્ષનાં નેતા સુષમા સ્વરાજે કહ્યું હતું કે એફડીઆઇના મુદ્દે વોટિંગના આધારે એ સ્પષ્ટ થઈ જશે કે દેશના લોકો મલ્ટિ-બ્રૅન્ડ એફડીઆઇની વિરુદ્ધ છે. બાદમાં સંસદીય બાબતોના પ્રધાન કમલનાથે કહ્યું હતું કે સરકાર નિયમાનુસાર કોઈ પણ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા અરુણ જેટલીએ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે વોટિંગ વિના આ નીતિ (એફડીઆઇ) લાગુ કરી શકાય નહીં. આ મુદ્દે દરેક પાર્ટી સંસદમાં પોતાનું વલણ રજૂ કરી શકે છે.