દીદી નહીં થવા દે આર્થિક સુધાર

24 August, 2012 06:21 AM IST  | 

દીદી નહીં થવા દે આર્થિક સુધાર

કેન્દ્રની યુપીએ સરકારના મહત્વના સાથીપક્ષ તૃણમૂલ કૉન્ગ્રેસે ગઈ કાલે રીટેલ, ઇન્શ્યૉરન્સ તથા એવિયેશન સેક્ટરમાં એફડીઆઇનો ઉગ્ર વિરોધ કર્યો હતો. ગઈ કાલે નવી દિલ્હીમાં નાણાપ્રધાન પી. ચિદમ્બરમ સાથેની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતાં તૃણમૂલ કૉન્ગ્રેસનાં ચીફ અને પશ્ચિમબંગનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ તેમની પાર્ટી એફડીઆઇને ટેકો નહીં આપે એવી સ્પષ્ટતા કરી હતી. મમતાએ કહ્યું હતું કે આ ક્ષેત્રોમાં એફડીઆઇ આમઆદમીને નુકસાન પહોંચાડે એમ હોવાથી અમે એનો વિરોધ કરીશું.

દીદીએ કહ્યું હતું કે ‘ચૂંટણીઢંઢેરામાં અમે એફડીઆઇનો વિરોધ કરવાની ખાતરી આપી હતી અને અમે એને વળગી રહીશું. વિશ્વના અન્ય દેશો પણ માને છે કે જો રીટેલ માર્કેટમાં એફડીઆઇને મંજૂરી આપીશું તો શ્રમિકોને મરવાનો વારો આવશે. એથી અમે પણ એનો વિરોધ કરીશું. એફડીઆઇ, પેન્શનસુધારણા જેવા આર્થિક સુધાર માટેનાં મહત્વનાં બિલ સરકાર પસાર કરાવી શકી નથી અને એનું મુખ્ય કારણ તૃણમૂલ કૉન્ગ્રેસ જેવા સાથીપક્ષોનો વિરોધ છે.

આર્થિક સુધાર સામે દીદી બની અવરોધ

સરકાર ઇન્શ્યૉરન્સ સેક્ટરમાં એફડીઆઇની મર્યાદા ૨૬ ટકાથી વધારીને ૪૯ ટકા કરવા માગે છે, જોકે મમતાએ એનો વિરોધ કર્યો છે. આ ઉપરાંત પેન્શન સેક્ટરમાં પ્રાઇવેટ તથા વિદેશી કંપનીઓને રોકાણની મંજૂરી આપતું પેન્શન ફન્ડ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી બિલ પણ મમતા બૅનરજીના વિરોધને કારણે અટકી ગયું છે. સરકાર વિદેશી ઍરલાઇન્સોને ભારતીય ઍરલાઇન્સમાં રોકાણ કરવાની મંજૂરી આપવા માગે છે એની સામે પણ મમતા બૅનરજી વિરોધ કરી રહ્યાં છે.