રાજા ચલે બાઝાર તો કુત્તા ભોંકે હઝાર : દીદીએ માર્યો ડાયલોગ

24 November, 2012 07:40 AM IST  | 

રાજા ચલે બાઝાર તો કુત્તા ભોંકે હઝાર : દીદીએ માર્યો ડાયલોગ




સંસદમાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવાના નિર્ણયને લઈને તૃણમૂલ કૉન્ગ્રેસનાં સુપ્રીમો મમતા બૅનરજીને કૉન્ગ્રેસે અનેક મહેણાં માયાર઼્ હતાં. હવે જ્યારે અવિશ્વાસ પ્રસ્તાવ ફ્લૉપ શો પુરવાર થયો છે ત્યારે કૉન્ગ્રેસના નેતાઓ મૂછમાં મલકાઈને દીદી પર કટાક્ષ કરી રહ્યા છે. જોકે મમતા બૅનરજીનો મિજાજ હજી પણ આક્રમક છે. ગઈ કાલે કલકતામાં તેઓ જ્યાં ભણી ચૂક્યાં હતાં એ જોગમાયા દેવી કૉલેજના એક કાર્યક્રમમાં બોલતાં મમતાએ પોતાના ટીકાકારોને જવાબ આપતાં કહ્યું હતું કે ‘રાજા ચલે બાઝાર તો કુત્તા ભોંકે હઝાર.’

મમતાએ કહ્યું હતું કે હું ભલે હારી જઈશ પણ હું મારી વિચારધારાને વળગી રહીશ. ભલે ગમે તેટલી ટીકા થાય તો પણ હું લોકોનાં હિતમાં કામ કરતી રહીશ એમ જણાવતાં બૅનરજીએ કહ્યું હતું કે અવિશ્વાસનો પ્રસ્તાવ પૂરતી સંખ્યાના અભાવે ભલે સંસદમાં પડી ભાંગ્યો હોય પણ દેશની જનતાએ તેને નકાર્યો નથી. ગુરુવારે સંસદમાં અવિશ્વાસના પ્રસ્તાવનો રકાસ થયા બાદ મમતાએ બીજેપી, ડાબેરી પક્ષોનું નામ લીધા વિના કહ્યું હતું કે ‘કેટલાક રાજકીય પક્ષોનો અસલી ચહેરો બહાર આવી ગયો છે.’