જેસલમેરમાં પુરુષ પ્રોસ્ટિટ્યુટ્સની સંખ્યામાં થયો ચોંકાવનારો વધારો

09 November, 2014 05:09 AM IST  | 

જેસલમેરમાં પુરુષ પ્રોસ્ટિટ્યુટ્સની સંખ્યામાં થયો ચોંકાવનારો વધારો



પ્રવાસીઓમાં લોકપ્રિય જેસલમેર શહેરમાં પુરુષ પ્રોસ્ટિટ્યુટ્સની સંખ્યામાં થયેલા ચોંકાવનારા વધારા બાબતે રાજસ્થાન મહિલા પંચનાં અધ્યક્ષ લાડ કુમારી જૈને ગઈ કાલે ચિંતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે જેસલમેર ઉપરાંત અલવર, ભરતપુર, ઉદયપુર, બુંદી તથા અજમેરમાં પણ સેક્સ વર્કર્સ સક્રિય છે. નટ જેવી કોમના લોકો આ ધંધામાં મોટા પાયે સંકળાયેલા છે.

ટૂરિઝમ અને ઉદ્યોગોના વિકાસ સાથે પ્રોસ્ટિટ્યુશન પણ કઈ રીતે વધે છે એ જાણવા માટે પંચના અન્ય ત્રણ સભ્યો સાથે જૈને રાજ્યનાં વિવિધ સ્થળોની મુલાકાત છેલ્લા કેટલાક મહિનાઓમાં લીધી હતી. આ બાબતે વાત કરતાં લાડ કુમારી જૈને કહ્યું હતું કે  ‘અમને પરિસ્થિતિ અત્યંત ચોંકાવનારી જણાઈ હતી. પરંપરાગત વેશ્યા વ્યવસાય ઉપરાંત જેસલમેરમાં પુરુષ પ્રોસ્ટિટ્યુટ્સની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. અહીંની મહિલા સેક્સ વર્કર્સને મુંબઈ, દિલ્હી તથા ગલ્ફ કન્ટ્રીઝ જેવા અન્ય વિસ્તારોમાં પણ લઈ જવામાં આવે છે.’

જૈનના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં ટૂરિઝમ, ટેક્સટાઇલ સેક્ટર, ગેરકાયદે માઇનિંગ અને અન્ય ઉદ્યોગોના વિકાસ સાથે પ્રોસ્ટિટટ્યુશનનો ધંધો પણ ધમધમી રહ્યો છે.

સામાજિક કાર્યકર જુગ્ના સ્વામીએ દાવો કર્યો હતો કે અનેક ઊંટચાલકો પણ સેક્સ વર્કર તરીકે સક્રિય છે. જુગ્ના સ્વામીએ એમ પણ કહ્યું હતું કે ‘મહિલા અને પુરુષ એમ બન્ને પ્રકારના વિદેશી પ્રવાસીઓ અહીં ચારથી પાંચ મહિના જેટલા લાંબા સમય માટે આવતા હોય છે. એ લોકો સ્થાનિક છોકરા-છોકરીઓ સાથે એમના પરિવારની સહમતીથી રહેતા હોય છે. એક ચોક્કસ વર્ગના પરિવારો માટે આ બિઝનેસ અને એક પ્રકારનું પ્રોસ્ટિટ્યુશન બની ગયું છે.’

જોધપુર ડિવિઝનમાં એઇડ્સગ્રસ્ત લોકો સાથે કામ કરતા એક અન્ય સામાજિક કાર્યકર દિનેશ જોશીએ જણાવ્યું હતું કે જોધપુર, જેસલમેર, બાડમેર, જાલોર તથા પાલીમાં ૧૫,૦૦૦થી વધુ લોકો એઇડ્સગ્રસ્ત છે અને આવા દર્દીઓની સંખ્યામાં વધારો થવાનું એક મુખ્ય કારણ પ્રોસ્ટિટ્યુશન છે.

જૈને કહ્યું હતું કે અમે આ વિશે વિગતવાર અહેવાલ તૈયાર કરીને રાજ્ય સરકારને મોકલીશું એથી આ દૂષણને રોકવાનાં પગલાં સરકારી સ્તરે લઈ શકાય.