05 November, 2026 11:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમેરિકન શૅરબજારમાં રોકાણ કરાવતા બૅન્ગલોર સ્થિત ફિનટેક પ્લૅટફૉર્મ સ્ટૉકલ સિક્યોરિટીઝનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. લગભગ ૩૦ જેટલા ભારતીય રોકાણકારોએ આરોપ લગાવ્યો હતો કે તેમની જાણ કે મંજૂરી વિના તેમના અકાઉન્ટમાંથી ઍપલ, ટેસ્લા, આલ્ફાબેટ, ઍમૅઝૉન અને એનવિડિયા જેવી બ્લુ-ચિપ કંપનીઓના સ્ટૉક્સ વેચી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ નાણાં અમેરિકામાં લિસ્ટેડ ઝિબાઓ ટેક્નૉલૉજી નામની એક સાવ અજાણી ચીની કંપનીમાં રોકી દેવાયા હતા.
ચોંકાવનારી બાબત તો એ છે કે આ ચીની કંપનીનો સ્ટૉક થોડા જ સમયમાં ૬૦ ટકા ગગડી જતાં રોકાણકારોને અંદાજે ૧૦૦ કરોડ રૂપિયાનું જંગી નુકસાન થયું હતું. આ મામલામાં એક રોકાણકારનો ૪.૨૬ કરોડ રૂપિયાનો અને અન્ય એક રોકાણકારનો ૨૯ કરોડ રૂપિયાનો આખો પોર્ટફોલિયો ગણતરીની મિનિટોમાં જ વેચી દેવાયો હતો. આ આઘાતજનક ઘટના ૧૫ ઑક્ટોબરે બની હતી. આર્થિક નુકસાનનો ભોગ બનનારા એક પીડિતે બૅન્ગલોરમાં ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાવ્યો હતો.
કંપનીએ શું કહ્યું?
સ્ટૉકલ પ્લૅટફૉર્મે પોતાની સ્પષ્ટતામાં દાવો કર્યો હતો કે તેમના પ્લૅટફૉર્મ પર કોઈ સાઇબર હુમલો કે ડેટા લીક થયો નથી, પરંતુ ‘સોશ્યલ એન્જિનિયરિંગ’ દ્વારા ગ્રાહકોનાં લૉગિન-પાસવર્ડ ચોરાયાં હોવાની પૂરેપૂરી આશંકા છે. જોકે સામે પક્ષે તેમના અમેરિકન બ્રોકરેજ પાર્ટનર ડ્રાઇવવેલ્થે પોતાના હાથ ઊંચા કરીને આ સમગ્ર મામલા માટે સ્ટૉકલની નબળી સુરક્ષા-વ્યવસ્થાને જ સીધી રીતે જવાબદાર ઠેરવી હતી.