લદ્દાખમાં મોટો માર્ગ અકસ્માત: 26 સૈનિકોને લઈ જતી બસ નદીમાં પડી, સાતનાં મોત

27 May, 2022 07:32 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

આ દુર્ઘટના થોઇસથી લગભગ 25 કિમી દૂર થઈ હતી

તસવીર સૌજન્ય: પીટીઆઈ

લદ્દાખમાં 26 જવાનોથી ભરેલી બસ નદીમાં પડી ગઈ છે. આ દુર્ઘટનામાં સેનાના સાત જવાનોનાં મોત થયાં છે અને ઘણા જવાનો ઘાયલ હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ તરત જ જવાનોને બચાવવાની કામગીરી શરૂ થઈ હતી. તેમને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ અકસ્માતમાં સાત સૈનિકોનાં મોત થયાં હતાં અને ઘણાને ગંભીર ઈજા થઈ હતી.

આ દુર્ઘટના થોઇસથી લગભગ 25 કિમી દૂર થઈ હતી, જ્યાં સેનાની બસ લગભગ 50-60 ફૂટની ઉંડાઈએ શ્યોક નદીમાં પડી હતી, જેમાં સેનાના તમામ જવાનો ઘાયલ થયા હતા. તમામ જવાનોને પરતાપુરની 403 ફિલ્ડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને સર્જિકલ ટીમોને લેહથી પરતાપુર મોકલવામાં આવી હતી. જો કે આમાંથી સાત જવાનોને મૃત જાહેર કરવામાં આવ્યા છે.

ગંભીર રીતે ઘાયલ જવાનોની મદદ માટે એરફોર્સનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. તેને સારવાર માટે વેસ્ટર્ન કમાન્ડમાં મોકલી શકાય છે. આર્મીની બસ કયા કારણોસર રોડ પરથી લપસીને નદીમાં પડી તે હજુ સ્પષ્ટ થયું નથી. આ ઘટના અંગે સેના દ્વારા સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

પ્રાથમિક જાણકારી અનુસાર સૈનિકોની બસ ટ્રાન્ઝિટ કેમ્પથી સબ સેક્ટર હનીફના ફોરવર્ડ લોકેશન તરફ જઈ રહી હતી, તે દરમિયાન આ અકસ્માત થયો હતો.

પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

પીએમ મોદીએ આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે “હું લદ્દાખમાં બસ દુર્ઘટનાથી દુઃખી છું, જેમાં આપણે આપણા બહાદુર સેનાના જવાનો ગુમાવ્યા છે. મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું આશા રાખું છું કે જેઓ ઘાયલ થયા છે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય. અસરગ્રસ્તોને શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે.”

national news ladakh indian army