દિલ્હીના બજોરોને ફરી બંધ કરવા માગે છે કેજરીવાલ: કેન્દ્ર પાસે માગી સત્તા

18 November, 2020 11:02 AM IST  |  New Delhi | Agency

દિલ્હીના બજોરોને ફરી બંધ કરવા માગે છે કેજરીવાલ: કેન્દ્ર પાસે માગી સત્તા

અરવિંદ કેજરીવાલ

દિલ્હીમાં કોરોના ઇન્ફેક્શનના કેસમાં સતત વૃદ્ધિને પગલે રાજ્ય સરકાર ચિંતામાં પડી છે. રાજ્યનાં બજારોમાં ભીડને કારણે રોગચાળાની સ્થિતિ વણસી જવાનો ભય તોળાઈ રહ્યો હોવાથી મુખ્ય પ્રધાન ફરી લૉકડાઉનની વિચારણા કરી રહ્યા છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે રાજ્યનાં બજારોમાં લૉકડાઉન જેવાં નિયંત્રણો લાગુ કરવા માટે કેન્દ્ર સરકાર પાસે સત્તા માગી છે. એ બાબતે અરવિંદ કેજરીવાલે ઑનલાઇન મીડિયા બ્રિફિંગમાં જણાવ્યું હતું કે ‘લગ્ન સમારંભોમાં ૨૦૦ સુધી મહેમાનોની હાજરીની છૂટ આપતો આદેશ પાછો ખેંચવામાં આવ્યો છે. અગાઉ કેસની સંખ્યામાં ઘટાડાને કારણે લગ્ન સમારંભોમાં ૨૦૦ જણને હાજરીની છૂટ આપવામાં આવી હતી. એ આદેશ હવે પાછો ખેંચવામાં આવ્યો છે.’

છેલ્લા ચાર મહિનામાં પહેલી વાર કોરોનાના ૨૪ કલાકમાં ૩૦,૦૦૦ કરતાં ઓછા કેસ

લગભગ ચાર મહિના પછી કોરોના વાઇરસના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતાં એક દિવસમાં ૩૦,૦૦૦ કરતાં ઓછા કેસ નોંધાયા છે, જેના પરિણામે દેશમાં કોવિડ-19 સંક્રમિતોનો આંકડો ૮૮.૭૪ લાખ રહ્યો હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા ગઈ કાલે જાહેર કરવામાં આવેલી આંકડાકીય વિગતો પરથી જાણવા મળ્યું હતું.

છેલ્લે ૧૫ જુલાઈએ એક દિવસમાં ૩૦,૦૦૦ કરતાં ઓછા કેસ નોંધાયા હતા. છેલ્લા ૨૪ કલાકમાં ૨૯,૧૬૩ નવા કેસ નોંધાવા સાથે દેશમાં કુલ કેસનો આંકડો ૮૮,૭૪,૨૯૦ નોંધાયો હોવાનું સવારે આઠ વાગ્યે જાહેર કરાયેલી વિગતોમાં જાણવા મળ્યું હતું.

સતત સાતમા દિવસે પાંચ લાખ કરતાં ઓછા એટલે કે ૪,૫૩,૪૦૧ ઍક્ટિવ કેસ નોંધાવા સાથે દેશમાં કોવિડ-19ના સંક્રમણથી સાજા થનારા લોકોનો આંકડો ૮૨,૯૩,૩૭૦ પર પહોંચ્યો છે. દેશમાં ઍક્ટિવ કેસનો આંકડો કુલ કેસલોડના ૫.૧૧ ટકાએ નોંધાયો હોવાનું આ વિગતોમાં જણાવાયું હતું.

national news new delhi coronavirus covid19 lockdown