મહાનાયક મહાવીર જયંતી નિમિત્તે જાણીએ આ સમ્યક જ્ઞાન મેળવનારા સંત વિષે

06 April, 2020 04:53 PM IST  |  Mumbai | Chirantana Bhatt

મહાનાયક મહાવીર જયંતી નિમિત્તે જાણીએ આ સમ્યક જ્ઞાન મેળવનારા સંત વિષે

મહાવીર જયંતીની શુભેચ્છા.

આજે મહા નાયક મહાવીરનો જન્મ કલ્યાણક દિવસ છે. એટલે કે મહાવીર જયંતીનો દિવસ છે.જૈન ધર્મનાં ચોવીસમાં તથા છેલ્લા તિર્થંકર એટલે મહાવીર સ્વામી.મહાવીર સ્વામીનાં વિચારોમાં જેટલી સાદગી છે એટલી જ મહાનતા છે.એમનાં વિચારો માત્ર ચોક્કસ ધર્મને જ લાગુ પડે છે એમ નથી બલ્કે કોઇપણ વ્યક્તિ પોતાની આગવી રીતે એ વિચારોને પોતાનાં જીવનમાં ઉતારી શકે છે અને એ ધર્મ પથ પર એક સ્વચ્છ મન અને આત્માકિય ઊર્જાનો અનુભવ કરી શકે છે.મહાવીર સ્વામીનો જન્મ ઇસ પૂર્વે ૫૯૯માં બિહારનાં વૈશાલી જિલ્લાનાં કુંડલપુરમાં થયો હતો. તેમનાં પિતા સિદ્ધાર્થ અને માતા ત્રિશલા,જૈન ધર્મનાં ૨૩માં તિર્થંકર પાર્શ્વનાથનાં અનુયાયી હતાં.જેને ગળથુથીમાં ધર્મ મળ્યો હોય એનાં વિચારોનો પાયો જ કંઇક જુદો હોય એ તો સ્વાભાવિક જ છે.આદ્યાત્મ જેનાં રોમ રોમ માં હોય એને વળી દુન્યવી બાબતોમાં કેવી રીતે રસ પડે.બાળ મહાવીર પણ એવાં જ હતાં, એક એવું મન જેમાં વૈરાગ્ય તો ખરો જ પણ નિડરતા અને એક અલગ પ્રકારનું તેજ હતું.તેમને બહુ નાની વયથી ધન વૈભવ જેવી ભૌતિક બાબતોમાં રૂચી નહોતી.એમને ખબર હતી કે શાશ્વત સુખ કંઇક અલગ છે અને અંતે એમણે એ શાશ્વત સુખ શોધવાની નેમ લીધી. મહાવીર સ્વામી માટે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ જ જીવનની કેડ ઘડનારી બાબતો હતી.એમણે નિર્ણય લીધો કે તેઓ ધર્મનાં નામે ફેલાયેલી બદીઓને દૂર કરશે.લોકોમાં કરુણા, પ્રેમ અને સત્યનો સંદેશો ફેલાવશે.બલિ આપવામાં થતી જીવ હિંસાથી માંડીને નાતજાતનાં ભેદભાવનો તેમણે વિરોધ કર્યો.આધ્યાત્મિકતાનો અર્થ લોકો સુધી પહોંચે, એમનાં મન બદલાય અને તેઓ જીવવાની સાચી રીત અપનાવે એ માટે મહાવીર સ્વામીએ ખુબ પ્રચાર પ્રસાર કર્યો.

મહાવીર સ્વામી સાથે ચમત્કારીક બાબતો પણ જોડાયેલી છે, જેમ કે કહેવાય છે કે જ્યારે તેમનાં માતાનાં ગર્ભમાં તેઓ આવ્યાં ત્યારે એ રાજ્યમાં રિદ્ધી અને સંપત્તિમાં વધારો થયો હતો.વૃદ્ધીની નિશાનીઓ દેખાવાને કારણે મહાવીર સ્વામીનું બીજું નામ વર્ધમાન પણ છે. એમની ગર્ભરૂપે હાજરી હોવા છતાં વૃક્ષો પર અઢળક ફુલો ખિલ્યાં હતાં.રાણી ત્રિશલાને શુભ સ્વપ્નો પણ આવ્યાં હતાં જેને જૈન ધર્મ પરંપરામાં મહાન આત્માનાં અવતરણનું ચિહ્ન ગણવામાં આવે છે.

મહાવીર સ્વામીનાં માતા ત્રિશલા દેવીને આવેલાં સ્વપ્નોમાં વૃષભ, લક્ષ્મી, પુષ્પ માળા, ચંદ્ર, સુર્ય, ધ્વજ, કુંભ, પદ્મ સરોવર, સમુદ્ર અને દેવ વિમાન એમ સ્વપ્ન આવ્યાં હતાં.જૈન ધર્મમાં શ્વેતાંબર અને દિગંબર એમ બે ભાગ છે અને એકનાં મતે માતાને ચૌદ સ્વપ્ન આવ્યાં હતાં તો બીજા મત પ્રમાણે સ્વામિની માતાને સોળ સ્વપ્ન આવ્યા હતાં.જૈન પરંપરામાં એમ મનાય છે દે તિર્થંકરના જન્મ પછી દેવતાઓનાં રાજા ઇંદ્ર એમને મેરૂ પર્વત પર લઇ જઇ તેમનો અભિષેક કરીને જન્મોત્સવ ઉજવે છે અને પછી સંતાનને માતાને સોંપાય છે.મહાવીર સ્વામીએ લગ્ન પણ કર્યા હતાં અને તેમની પત્નીનું નામ રાજકુમારી યશોદા હતું.એમની પુત્રીનું નામ પ્રિયદર્શના હતું.માતા-પિતાનાં મૃત્યુ પછી ભાઇનાં કહ્યે એ સંસાર રહ્યા ખરાં પણ અંતે ૩૦ વર્ષની વયે એમણે સંસાર ત્યાગ કર્યો અને બાર વર્ષ સુધી આકરું તપ કરીને પોતાની ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો જેને કારણે એમને જિન અથવા તો મહાવીર નામ મળ્યું.

મહાવીર સ્વામીનાં સંયમી જીવન વિષે કલ્પ સૂત્ર નામનાં જૈન ગ્રંથમાં વિગતવાર વાત કરાઇ છે.મહાવીર સ્વામીએ સંયમી સાધુ બન્યા પછી એક મહિના સુધી તો વસ્ત્રો પહેર્યાં પણ પછી એમણે દિશાઓને જ પોતાનું વસ્ત્ર બનાવી દીધાં.તેઓ ખોબામાં જે મળે એ જ આહાર લેતાં અને ઠામ કે વાસણોનો ઉપયોગ ન કરતાં.તેમણે કાર્મિક અણુએ બંધાયેલા આત્માની વાત કરી.એમણે સમ્યક દર્શન,સમ્યક જ્ઞાન, સમ્યક ચરિત્રની વાત કરી. અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય એ સમ્યક ચરિત્રનાં પાંચ મહાવ્રત છે.પોતાનાં પાછલા વર્ષોમાં મહાવીર સ્વામીએ ખુલ્લા પગે અને ઉઘાડે ડિલે ઠેર ઠેર સફર કરી અને લોકોને સત્યને માર્ગે લાવાવનો પ્રયાસ પણ કર્યો.એક સમયે મહાવીરનાં સાડા ત્રણ કરોડથી પણ વધારે અનુયાયીઓ હતાં.મહાવીર સ્વામી સમય સાથે બદલાવ સમજતા હતા અને માટે જ એમણે તે સમયની સમાજ વ્યવસ્થા અનુસાર આધ્યાત્મનાં નિયમો રચ્યાં અને જૈન ધર્મનો બહોળો પ્રચાર પ્રસાર કર્યો.

national news