ઉદ્ધવ ઠાકરે માટે અયોધ્યાના દરવાજા બંધ

11 September, 2020 06:25 PM IST  |  Ayodhya | Gujarati Mid-day Online Correspondent

ઉદ્ધવ ઠાકરે માટે અયોધ્યાના દરવાજા બંધ

ઉદ્ધવ ઠાકરે

અયોધ્યાના સાધુ-સંતો અને વિશ્વ હિંદુ પરિષદ (VHP)એ ઘોષણા કરી છે કે, અભિનેત્રી કંગના રનોટ (Kangana Ranaut)ના પ્રકરણ પછી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) માટે અયોધ્યાના દરવાજા બંધ છે, અયોધ્યામાં તેમનું સ્વાગત નથી.

પાલિકા દ્વારા અભિનેત્રી કંગના રનોટની ઓફિસ તોડી પાડવા બાબતે સવાલ ઉઠાવતા હનુમાન ગઢી મંદિરના પૂજારી મહંત રાજુ દાસે પ્રશ્નો કર્યા છે અને કહ્યું છે કે, ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાનું અયોધ્યામાં સ્વાગત નથી. જો તેઓ અહીં આવશે તો તેમને સંતોના કડક વિરોધનો સામનો કરવો પડશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકારે સમયનો વ્યય કર્યા વિના અભિનેત્રીની વિરુદ્ધ કામગીરી હાથ ધરી હતી. પરંતુ આ જ સરકાર પાલઘરમાં થયેલી સાધુઓની હત્યાના આરોપીઓને હજી સુધી પકડી શકી નથી.

વિશ્વ હિંદુ પરિષદ પ્રાદેશિક પ્રવક્તા શરદ શર્માએ કહ્યું કે, એ તો ખૂબ સ્પષ્ટ છે કે શિવસેના અભિનેત્રીને જાણી જોઈને નિશાન બનાવી રહી છે. કારણ કે તે રાષ્ટ્રવાદી દળોને ટેકો આપી રહી છે અને તેણે મુંબઈના ડ્રગ માફિયા સામે અવાજ ઉઠાવ્યો છે. કંગના રનોટ વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકાર દ્વારા ખોટા ઇરાદા સાથે કાર્યવાહી કરવામાં આવી છે.

મહંત કન્હૈયા દાસે કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરેનું હવે અયોધ્યામાં સ્વાગત નથી. શિવસેના રનોટ પર કેમ હુમલો કરી રહી છે? દરેક વ્યક્તિ સમજી શકે છે. તેમાં કોઈ રહસ્ય નથી. હવે શિવસેના એવી નથી રહી, જેવી બાળા સાહેબ ઠાકરેના સમયમાં હતી.

તમને જણાવી દઈએ કે, ઉદ્ધવ ઠાકરે 24 નવેમ્બર 2018ના રોજ અયોધ્યા આવ્યા હતા. ત્યારબાદ 2019માં 16 જૂને અને પછી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બન્યા પછી ચાલુ વર્ષના માર્ચ મહિનામાં અયોધ્યા આવ્યા હતા.

national news ayodhya uddhav thackeray kangana ranaut palghar