હવે હેલો નહીં, વંદે માતરમ્

03 October, 2022 10:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્ય સરકારે નોટિફિકેશન બહાર પાડીને ગઈ કાલે ગાંધી જયંતીથી સરકારી ઑફિસો માટે ફરમાન જાહેર કર્યું : મુસ્લિમ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો

પ્રતીકાત્મક તસવીર

રાજ્ય સરકાર દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં સરકારી કર્મચારીઓને ફોન રિસીવ કરતી વખતે હેલોને બદલે વંદે માતરમ્ બોલવું એમ કહેવામાં આવ્યું છે. રાજ્યના સાંસ્કૃતિક વિભાગ દ્વારા આ બાબતનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો ત્યારે કેટલાંક મુસ્લિમ સંગઠનોએ વંદે માતરમનો વિરોધ કર્યો હતો એટલે સરકારના આ નોટિફિકેશનનો પણ વિરોધ થઈ શકે છે. વંદે માતરમ્ બોલવું ફરજિયાત નથી બનાવાયું, પરંતુ દરેક વિભાગના ઇન્ચાર્જને તેમના હાથ નીચે કામ કરતા કર્મચારીઓને વંદે માતરમ્ બોલવા માટે પ્રોત્સાહન આપવામાં આવે એવું નોટિફિકેશનમાં લખવામાં આવ્યું છે.

આપણા દેશ ભારત માટે ભક્તિ વ્યક્ત કરવા બધાએ વંદે માતરમ્ બોલવું જોઈએ એવા તર્કથી રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓને કૉલ રિસીવ કરતી વખતે હેલોને બદલે વંદે માતરમ્ બોલવાનું ફરમાન જાહેર કર્યું છે. આ બાબતનું નોટિફિકેશન પહેલી ઑક્ટોબરે જારી કરવામાં આવ્યું હતું અને ગઈ કાલે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીના જન્મદિવસથી ફરમાન અમલમાં મૂકવામાં આવ્યું છે. કેટલાંક મુસ્લિમ સંગઠનો અને ઓવૈસીની પાર્ટીએ સરકારના વંદે માતરમ્ બોલવાના ફરમાનનો વિરોધ કર્યો છે.

નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘વંદે માતરમ્ સ્વતંત્રતાનો મૂળ મંત્ર હતો. બંગાળનું વિભાજન થયું હતું. હજારો લોકો એકત્રિત થઈને નેતાની રાહ જોતા હતા. એ સમયે એક વ્યક્તિએ વંદે માતરમ્ કહીને સૂત્રોચ્ચાર કર્યો હતો. એ સાંભળીને હાજર રહેલા બધા લોકોએ વંદે માતરમ્ કહ્યું હતું. આ સૂત્રોચ્ચાર બાદ બંગાળનું વિભાજન અટકાવી દેવાયું હતું. આ બનાવ બાદ આપણા દરેક ક્રાંતિકારી, સ્વતંત્રતાસેનાની માટે વંદે માતરમ્ એક મંત્ર બની ગયો હતો. શહીદ ભગત સિંહ ફાંસીએ ચડ્યા હતા ત્યારે તેમણે માતૃભૂમિનું નામ લઈને વંદે માતરમ્ કહ્યું હતું અને આ જ ભારતમાતાના ચરણમાં સેવા કરવા માટે બીજો જન્મ મળે એવી પ્રાર્થના કરી હતી. અત્યારે આપણે સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ ત્યારે ભારતમાતાને નમન કરવા માટે વંદે માતરમ્ કહેવાનું વહેવારમાં લવાશે. આ ચળવળ હવે માત્ર ચળવળ નહીં પણ ગુલામીની બધી સાંકળો તોડી નાખવાની ઝુંબેશ બનશે.’

વિરોધીઓ વંદે માતરમ્ બોલવા સામે સવાલ કરી રહ્યા છે ત્યારે ગઈ કાલે વર્ધામાં કલેક્ટર ઑફિસના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં વંદે માતરમ્ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે દેવેન્દ્ર ફડણવીસે આ કહ્યું હતું.

mumbai mumbai news maharashtra