ચૂંટણી પરિણામો કોની દિવાળી સુધરશે ને કોની બગડશે?

19 October, 2014 02:58 AM IST  | 

ચૂંટણી પરિણામો કોની દિવાળી સુધરશે ને કોની બગડશે?




મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં આજે જાહેર થનારાં પરિણામોમાં કુલ ૨૮૮ સીટોના મળીને ૪૧૧૧ ઉમેદવારોમાંથી કોનું નસીબ જોર કરે છે એ નક્કી થશે. સાથે-સાથે આગામી પાંચ વર્ષ માટે મહારાષ્ટ્રમાં કઈ પાર્ટી કે પાર્ટીઓ સત્તા ભોગવશે એનું સસ્પેન્સ પણ ખૂલશે. ૧૫ ઑક્ટોબરે મતદાન બાદ ગઈ કાલ સુધી તો તમામ ઉમેદવારોને ઉચાટ હતો અને કેટલાકને તો રાત્રે ઊંઘ પણ નહીં આવી હોય. પૉલિટિકલ પંડિતોની આગાહીઓ સાચી પડશે કે કેમ એ પણ પ્રશ્ન છે, કેમ કે આ વખતે રાજ્યમાં યુતિ અને મહાયુતિના વિસર્જન બાદ કટોકટીના પંચકોણીય જંગમાં કોણ કોના મત કાપશે અને કોણ મેદાન મારી જશે એ છેલ્લી ઘડી સુધી કહેવાય એવું નહોતું.

આજે સવારે આઠ વાગ્યાથી શરૂ થનારી મતગણતરી માટે રાજ્યભરમાં સુરક્ષા સ્હિત વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે અને લગભગ બપોર સુધીમાં નવી વિધાનસભાનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે એવી અપેક્ષા છે. અકોલા અને ગુહાગર સીટો પર રાજ્યમાં સૌથી ઓછા માત્ર પાંચ-પાંચ ઉમેદવાર જ મેદાનમાં હોવાથી આ સીટોનાં પરિણામો સૌથી પહેલાં અને નાંદેડ સાઉથ સીટ પર સૌથી વધુ ૩૯ ઉમેદવારો હોવાથી આ સીટનું પરિણામ છેલ્લે જાહેર થવાની ધારણા છે. આ ઉપરાંત સૌથી નાનો મતવિસ્તાર ધરાવતી માલેગાંવ સીટનાં ૨૨૮ અને મુંબઈમાં વડાલા સીટનાં માત્ર ૨૨૨ મતદાન-કેન્દ્ર હોવાથી આ બન્ને સીટનાં પરિણામો પણ વહેલાસર આવી જવાની ધારણા છે.