શિવસેના બતાવી ભાજપ સાથે હાથ મિલાવવા તૈયારી

19 October, 2014 07:10 AM IST  | 

શિવસેના બતાવી ભાજપ સાથે હાથ મિલાવવા તૈયારી




મુંબઈ : તા, 19 ઓક્ટોબર

મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહેલી ભાજપ પાસે શરદ પવારની એનસીપીના સમર્થનથી સરકાર રચવાનો વિકલ્પ ખુલ્લો હોવાના અહેવાલ આજે મતદાન ગણતરીના દિવસે જ વહેતા થયા બાદ શિવસેનાની આ પ્રતિક્રિયા સામે આવી હતી.

ગત 15મીએ યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો આજે બહાર પડી રહ્યાં છે. જેમાં નરેન્દ્ર મોદીનો જાદુ ઘણી ખરી રીતે ચાલ્યો હોવાનું જોવા મળે છે. ભાજપ રાજ્યમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહ્યો હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે. પરંતુ તેને સરકાર રચવા માટેના 146ના આંકડા સુધી પહોંચવાનું ગજુ કદાચ સહેજ માટે બાકી રહી જાય. આવા સંજોગોમાં ભાજપ કયા રાજકીય પક્ષનું સમર્થન હાંસલ કરશે? મુદ્દો હાલ ચારેયકોર ચર્ચાઈ રહ્યો છે.

તેવામાં જોડાણમાં ભંગાણ બાદ ચૂંટણી દરમિયાન ભાજપને ભાંડવાની એક પણ તક શિવસેનાએ સત્તાની સોગઠી ભાજપ તરફ ફેંકી છે. એક્ઝિટ પૉલના અંદાજ બાદ ચૂંટણીનાં પરિણામોમાં પણ ભાજપ તરફ પલ્લુ ભારે જણાતા શિવસેનાના મનમાં ફરી એકવાર સત્તાની દાઢ સળકવા લાગી હતી. મહારાષ્ટ્રમાં સરકાર રચવા શિવસેનાએ ભાજપ સાથે હાથ મિલાવવાના સંકેત આપ્યા છે.શિવસેનાના નેતા અનિલ દેસાઈએ કહ્યું હતું કે જો ભાજપ તરફથી કોઈ પ્રસ્તાવ આવશે તો સમર્થન આપવા વિચાર કરવામાં આવશે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે ભાજપ અમારા સંબંધોમાં હવે કડવાશ રહી નથી. તેમણે આગળ કહ્યું હતું કે ભાજપ - શિવસેના સરકાર બનાવી શકે છે, કારણ કે આ બંને પાર્ટીઓને જનાદેશ મળ્યો છે.

જોકે શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે સંકેત આપ્યા હતાં કે શિવસેના જો ભાજપની સાથે આવશે તો મુખ્યમંત્રી પદ સહિતના અન્ય મુદ્દાઓ પર સમાધાન નહીં કરે.

અગાઉ રાજ્યમાં સરકાર રચવામાં પનો ટૂંકો પડે તો ભારતીય જનતા પાર્ટી પાસે શિવસેના ઉપરાંત રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો પણ વિકલ્પ ખુલો હોવાના અહેવાલો વહેતા થયા હતાં. જો ભાજપ શરદ પવારની પાર્ટી સાથે હાથ મિલાવે તો રાજ્યમાં સરકાર રચવા માટેના જરૂરી સંખ્યાબળ કરતા પણ વધારે સંખ્યા બંને પક્ષો પાસે આવે. એનસીપીના નેતા પ્રફુલ પટેલના બે દિવસ અગાઉના નિવેદને પણ ભાજપ-એનસીપી સાથે આવી શકે છે તેવી શક્યતાઓને બળ આપ્યું હતું.