વિધાનપરિષદના ત્રણ સભ્યો ને અડધો ડઝન કૉર્પોરેટરો ઍસેમ્બ્લીમાં ચૂંટાયા

21 October, 2014 05:15 AM IST  | 

વિધાનપરિષદના ત્રણ સભ્યો ને અડધો ડઝન કૉર્પોરેટરો ઍસેમ્બ્લીમાં ચૂંટાયા


વિધાનપરિષદમાં વિરોધ પક્ષના નેતા વિનોદ તાવડે (BJP) બોરીવલીથી અને BJPના મુંબઈ એકમના પ્રમુખ અને વિધાનપરિષદના સભ્ય આશિષ શેલાર બાંદરાથી અને કૉન્ગ્રેસના ભૂતપૂર્વ પ્રધાન અને વિધાનપરિષદના સભ્ય ડી. પી. સાવંત નાંદેડની બેઠક પરથી ચૂંટાયા છે.

આ વખતે વિધાનસભામાં પ્રવેશ કરનારા મુંબઈની સુધરાઈના કૉર્પોરેટરોમાં BJPનાં મનીષા ચૌધરી (દહિસર), અમિત સાટમ (અંધેરી-વેસ્ટ), આર. તામિલ સેલ્વન (સાયન-કોલીવાડા) અને વિદ્યા ઠાકુર (ગોરેગામ) તેમ જ ભાંડુપ (વેસ્ટ)ના શિવસેનાના કૉર્પોરેટર અશોક પાટીલ તથા ભૂતપૂર્વ મેયર સુનીલ પ્રભુ (શિવસેના)નો સમાવેશ છે. સુનીલ પ્રભુ દિંડોશી મતવિસ્તારથી ચૂંટાયા છે.

મહારાષ્ટ્રની નવી વિધાનસભામાં ૧૬ મહિલાઓ

મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી જીતનારાઓમાં ૧૬ મહિલા ઉમેદવારોનો સમાવેશ છે. જીતનારી સૌથી વધુ મહિલાઓ BJPની ૧૦ છે, જ્યારે કૉન્ગ્રેસની પાંચ અને NCPની માત્ર એક મહિલા જ્યોતિ કાલાણી છે.

શિવસેના અને પ્ફ્લ્ની કોઈ મહિલા ઉમેદવાર જીતી નથી. 

BJPની પંકજા મુંડે અને માધુરી મિસાળ ગઈ વિધાનસભાની સભ્ય હતી. તેમણે તેમની પરળી અને પાર્વતી સીટો જાળવી રાખી છે. બે નવોદિત મહિલાઓ મંદા મ્હાત્રેએ અને વિદ્યા ઠાકુરે જ્વલંત વિજય મેળવીને અનુક્રમે નવી મુંબઈના NCPના શક્તિશાળી ગણેશ નાઈકને બેલાપુર અને ગોરેગામના શિવસેનાના સુભાષ દેસાઈને હરાવ્યા છે. BJPની અન્ય વિજેતા મહિલાઓમાં મેઘા કુલકર્ણી (કોથરુડ), ભારતી લવેકર (વસોર્વા), મનીષા ચૌધરી (દહિસર), સ્નેહલતા કોલ્હે (કોપરગાવ), મોનિકા રાજાળે (શેવગાવ) અને સંગીતા ઠોમ્બરે (કૈજ)નો સમાવેશ છે.

કૉન્ગ્રેસની નવોદિત અમિતા ચવાણ જે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવાણની પત્ની છે તે નાંદેડ જિલ્લાની ભોકર સીટ પર વિજયી નીવડી હતી. અન્ય ચાર વિજેતા કૉન્ગ્રેસી મહિલાઓમાં ભૂતપૂર્વ પ્રધાન વર્ષા ગાયકવાડ (ધારાવી), યશોમતી ઠાકુર (તેઉસા), નિર્મળા ગાવિત (ઈગતપુરી) અને પ્રણીતી શિંદે (સોલાપુર સિટી સેન્ટ્રલ)નો સમાવેશ છે. NCPની જ્યોતિ કાલાણીએ ઉલ્હાસનગર સીટ પર વિજય મેળવ્યો છે.