નીતિન ગડકરીની મોહન ભાગવત સાથેની મીટિંગથી અફવાબજારમાં ફરી ગરમાટો

26 October, 2014 05:01 AM IST  | 

નીતિન ગડકરીની મોહન ભાગવત સાથેની મીટિંગથી અફવાબજારમાં ફરી ગરમાટો




કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ગઈ કાલે RSSના સરસંઘસંચાલક મોહન ભાગવતની મુલાકાત લીધી હતી. આ મુલાકાતને દિવાળીની શુભેચ્છા મુલાકાત ગણાવતાં ગડકરીએ જણાવ્યું હતું કે તેમણે ભાગવત સાથે મહારાષ્ટ્રની રાજનીતિ સિવાય અન્ય ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. નોંધનીય છે કે આ મુલાકાત ગડકરીની ફડણવીસ સાથે થયેલી મુલાકાતના એક દિવસ પછી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે યોજેલી NDAના સંસદસભ્યો માટે ટી-પાર્ટીના એક દિવસ પહેલાં થઈ હતી.

જ્યારે ગડકરી દિલ્હીથી નાગપુર આવ્યા ત્યારે ભાગવત નાગપુરમાં નહોતા. મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો બાદ જ્યારે BJP ૧૨૩ સીટો જીતીને રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવી ત્યારે ચૂંટાયેલા વિધાનસભ્યોના એક જૂથે ગડકરીનું નામ મુખ્ય પ્રધાન તરીકે ચર્ચામાં વહેતું મૂક્યું હતું. આમાંના ત્રણ વિધાનસભ્યોએ તો ગડકરી માટે પોતાની સીટ ખાલી કરવાની ઑફર પણ આપી હતી. શરૂઆતમાં રાજ્યની રાજનીતિમાં પાછા ફરવાની ઇચ્છા ન ધરાવતા ગડકરીએ જ્યારે જણાવ્યું હતું કે તેઓ પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા આપવામાં આવેલી કોઈ પણ જવાબદારી સ્વીકારવા તૈયાર છે ત્યારે તેમના રાજ્યના મુખ્ય પ્રધાન બનવાની અફવાએ જોર પકડ્યું હતું.

ગુરુવારે ગડકરી ફડણવીસને મળ્યા હતા અને આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી અને જણાવ્યું હતું કે તેઓ દિલ્હીમાં ખુશ છે. ફડણવીસ શુક્રવારે રાત્રે ભાગવતને મળ્યા પછી ગઈ કાલે મુંબઈ જવા રવાના થયા હતા. BJPના વિધાનસભ્યો આગામી બે દિવસમાં પોતાના નેતા નક્કી કરવા મુંબઈમાં મળવાના છે. નાગપુરથી આવતા ગડકરી અને ફડણવીસ બન્ને RSS સાથે નજદીકી ધરાવે છે.