CM માટે દેવેન્દ્ર ફડણવીસ, ખડસે, ગડકરી, પંકજા મુંડે બાદ હવે પ્રકાશ જાવડેકરનું નામ

17 October, 2014 03:45 AM IST  | 

CM માટે દેવેન્દ્ર ફડણવીસ, ખડસે, ગડકરી, પંકજા મુંડે બાદ હવે પ્રકાશ જાવડેકરનું નામ




મહારાષ્ટ્રમાં અઢી દાયકા જૂની શિવસેના-BJPની મહાયુતિનું વિસર્જન વિધાનસભાની ચૂંટણી પહેલાં છેલ્લી ઘડીએ થયું હતું. સીટ શૅરિંગ ઉપરાંત બન્ને પાર્ટી વચ્ચે મુખ્ય ઝઘડો ચીફ મિનિસ્ટરની ખુરસી માટેનો હોવાનું પણ સ્પષ્ટ હતું. હવે મતદાન બાદ રાજ્યમાં BJP નંબર વન અને શિવસેના નંબર ટૂ પાર્ટી બનવાના વરતારા થઈ રહ્યા છે ત્યારે BJPમાં ચીફ મિનિસ્ટર બનવા માટેની રેસ શરૂ થયાનું ચર્ચાઈ રહ્યું છે.

મહાયુતિની સીટ-શૅરિંગની વાતો વખતે BJPમાં પ્રદેશપ્રમુખ દેવેન્દ્ર ફડણવીસ સાથે જોડાયેલું સૂત્ર વહેતું થયું હતું કે દેશમાં નરેન્દ્ર અને મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર. આની સામે શિવસેનાએ પણ ચીફ મિનિસ્ટરના ઉમેદવાર તરીકે પાર્ટીના ચીફ ઉદ્ધવ ઠાકરેનું નામ આગળ ધયુંર્ હતું. યુતિ તો તૂટી પરંતુ BJPમાં હવે ચીફ મિનિસ્ટરની ખુરસી માટે જોરદાર ખટપટો ચાલી રહ્યાનું કહેવાઈ રહ્યું છે. દેવેન્દ્ર ફડણવીસનું નામ તો હતું જ ત્યાર બાદ  સિનિયર નેતા એકનાથ ખડસેનું નામ ઊછળ્યું હતું અને નીતિન ગડકરીનું નામ પણ બોલાઈ રહ્યું છે.

જોકે ગડકરી કેન્દ્રમાં મિનિસ્ટર છે અને ફરીથી મહારાષ્ટ્રમાં આવવાની ઇચ્છા ન હોવાનું કહી રહ્યા છે, પરંતુ આખરે તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માનીતા છે એથી જો નાગપુરથી આદેશ આવ્યો તો ગડકરી ના નહીં પાડે એવું કહેવાઈ રહ્યું છે. એમ તો સ્વર્ગીય ગોપીનાથ મુંડેની પુત્રી પંકજાનું નામ પણ કોઈક ખૂણે ચાલી રહ્યું છે પરંતુ પાર્ટીના ચીફ અમિત શાહ અને પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ દેવેન્દ્ર ફડણવીસ પર નજર ઠેરવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એક્ઝિટ પોલના આંકડાથી ઉત્સાહિત BJPએ દિલ્હીમાં બેઠક કરીને કેન્દ્રના મિનિસ્ટર પ્રકાશ જાવડેકરના નામ પર પણ વિગતે ચર્ચા કરી હોવાનું કહેવાઈ રહ્યું છે, પરંતુ ૧૯ ઑક્ટોબરે વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થાય એ પછી પરિણામોના આધારે આ મામલો જાહેરમાં આવશે એવું માનવામાં આવે છે.