BJP, શિવસેના અને NCP પબ્લિકને ઉલ્લુ બનાવિંગ

20 October, 2014 03:53 AM IST  | 

BJP, શિવસેના અને NCP પબ્લિકને ઉલ્લુ બનાવિંગ




મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો ગઈ કાલે જાહેર થઈ ગયા બાદ હવે રાજ્યમાં સત્તા માટેની તડજોડનો સમય આવ્યો છે. પરિણામોમાં BJP ભલે સૌથી મોટી પાર્ટી તરીકે બહાર આવી; પરંતુ આખરે એની આ જીત અધૂરી છે અને ખરેખર કૌન જીતા કૌન હારાની ચર્ચા ચાલી છે, કેમ કે એકલા હાથે મહારાષ્ટ્રનો ગઢ કબજે કરવા નીકળેલા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટી BJPના ચીફ અમિત શાહની જોરદાર વ્યૂહરચના છતાં પણ એકલા હાથે સરકાર રચી શકાય એમ નથી.

BJP સાથેની અઢી દાયકા જૂની મહાયુતિ તૂટ્યા બાદ શિવસેના રાજ્યમાં બીજા નંબરની પાર્ટી બનીને બહાર આવી છે અને ફરીથી જો યુતિ થાય તો રાજ્યમાં ભગવો લહેરાય એમ છે, પરંતુ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પોતાનો અસલી મિજાજ જાળવી રાખતાં જણાવ્યું છે કે જેને સપોર્ટ જોઈતો હોય તે માતોશ્રીમાં આવે, અમે કોઈને સામેથી સપોર્ટ આપવા જવાના નથી. આથી BJPના પાર્ટી-વર્કરોને લાગે છે કે આ તે કેવી જીત? ખરેખર તો આમાં BJP કરતાં શિવસેનાની જીત વધુ કહેવાય, કેમ કે BJPએ સત્તા માટે આખરે શિવસેના શરણં ગચ્છામિ કરવું પડશે. જે પાર્ટીએ મહાયુતિ તૂટ્યા બાદ બેફામ આક્ષેપોમાં નરેન્દ્ર મોદીને પણ સપાટામાં લીધા એની સામે પાર્ટીને ઝૂકવું પડશે. આ જીત કડવી બની રહેશે એવું BJPના વર્કરોને લાગે છે. એક વિકલ્પ NCPનો છે જેણે બહારથી બિનશરતી ટેકો જાહેર કર્યો છે. જોકે નરેન્દ્ર મોદીએ NCPના ચાચા-ભતીજા પર ભ્રષ્ટાચારના આરોપોનો તોપમારો પ્રચાર દરમ્યાન ચલાવેલો એટલે બદનામને દોસ્ત બનાવવામાં દાગદાર બનવું પડે એમ છે.

મહારાષ્ટ્રમાં BJP સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની છે, પરંતુ સરકાર રચવા માટે શિવસેના કે NCPના સપોર્ટની જરૂર અનિવાર્ય છે એ BJPની ટ્રૅજેડી છે.

ચૂંટણીપ્રચારની મહા-ટૂરમાં પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ શિવસેનાના બાળ ઠાકરે પ્રત્યે આદર હોવાથી શિવસેના વિરુદ્ધ એક પણ શબ્દ ન બોલવાનું જાહેર કર્યું હતું અને છેક સુધી શિવસેના સામે કોઈ આક્ષેપબાજી નહોતી કરી, પરંતુ BJPના કેટલાક નેતાઓએ આવી કોઈ મર્યાદા જાળવી નહોતી. એની સામે મહાયુતિ તૂટ્યા બાદ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સભાઓમાં અને પાર્ટીના મુખપત્ર ‘સામના’માં નરેન્દ્ર મોદી અને BJP સામે રીતસરનો મોરચો ખોલ્યો હતો. બીજી તરફ મોદીએ કૉન્ગ્રેસની સાથે કૉન્ગ્રેસના મૂળની જ શરદ પવારની પાર્ટી NCPને પણ ખતમ કરી દેવાનું જાહેર આહ્વાન કર્યું હતું. શરદ પવારે પણ મોદીના આક્ષેપોનો પ્રત્યુત્તર વાળ્યો હતો. આમ હવે આ ત્રણે પાર્ટીમાંથી બેની સરકાર રચવામાં મહત્વની ભૂમિકા રહેશે. 

શિવસેના અને BJP વચ્ચેની મહાયુતિ તૂટવાના મૂળમાં તો રાજ્યમાં મોટા ભાઈ બનવાની લડાઈ હતી જેમાં BJPએ વધુ સીટો મેળવીને મોટા ભાઈનું સ્થાન પચાવી પાડ્યું, પરંતુ હવે સરકાર રચવા માટે નાના ભાઈ બની ગયેલી શિવસેના વગર ચાલે એમ નથી. જોકે BJP પાસે સત્તા માટે બદનામ NCPનો સપોર્ટ લેવાનો વિકલ્પ સામે ચાલીને આવ્યો છે, પરંતુ જો આવી તડજોડ કરશે તો રાષ્ટ્રીય સ્તરે પાર્ટીને બદનામીનો ડર સતત ઝળૂંબતો રહેશે.

BJP અને મોદી વિરુદ્ધ ઉદ્ધવ ઠાકરે અને ‘સામના’નો તોપમારો

મોદી અને કેન્દ્રના મિનિસ્ટરો અફઝલ ખાનની સેનાની જેમ મહારાષ્ટ્ર પર કબજો જમાવવા ઊતરી પડ્યા છે, પરંતુ શિવરાયાની જેમ શિવસેના અને મહારાષ્ટ્રની જનતા આ ફોજને ધૂળ ચાટતી કરી દેશે.

મહારાષ્ટ્રને દિલ્હીની કઠપૂતળી સરકાર કે ચીફ મિનિસ્ટર નથી જોઈતાં. BJPના મનમાં અલગ વિદર્ભ રચવાનું અને મહારાષ્ટ્રના ટુકડા કરવાનું સપનું છે તેથી દેશના અને મહારાષ્ટ્રના દુશ્મનોને ઠેકાણે પાડવા ઊઠો, આ શિવસેનાનું સ્થાપનાવર્ષ છે.

મહારાષ્ટ્ર પચરંગી રાજ્ય હોવાના દાવા કરીને વિવિધ પાર્ટીઓ પોતાના કલરની પિચકારીઓ ભરીને પ્રચારમાં લાગી પડ્યા છે, પરંતુ મહારાષ્ટ્રનો એક જ રંગ ભગવો છે. લોકમાન્ય ટિળક બાદ મહારાષ્ટ્રના એકમાત્ર લોકનાયક બાળાસાહેબ ઠાકરે હતા અને અત્યાર સુધી મુંબઈ અને મહારાષ્ટ્રમાં લાલુ, મુલાયમ, ભજનલાલ જેવા નેતાઓ ડેરા-તંબુ તાણીને પોતાની વોટ-બૅન્ક મજબૂત કરવા ઊતરી પડતા હતા એમ હવે મહારાષ્ટ્રમાં સંપૂર્ણ ગુજરાત ઊતરી પડ્યું છે.

મુંબઈ અને મહારાષ્ટ્રના ગુજરાતીઓને શિવસેના અને બાળાસાહેબ પ્રત્યે શ્રદ્ધા છે એમાં કોઈ ફૂટ નહીં પડાવી શકે. પછી ભલે દિલ્હીથી કે ગુજરાતથી ભાડૂતી ફોજ ઊતરી આવે.

અત્યારે ચીન અને પાકિસ્તાન સાથે જોડાયેલા દેશના સીમાડા સળગે છે ત્યારે ત્યાં લાગેલી આગ ઠારવાને બદલે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી અને તેમના મિનિસ્ટરો મહારાષ્ટ્રમાં કેમ ઊતરી પડ્યા છે?

દિલ્હીમાં મોદીનું વચન અમે પાળી બતાડ્યું, હવે મહારાષ્ટ્રમાં શિવસેનાનું વચન કેમ ભુલાયું? શિવસેના ક્યારેય ઝૂકી નથી અને ઝૂકશે પણ નહીં. મહારાષ્ટ્રની એક તસુ જમીન પણ અમે વિખૂટી નહીં પડવા દઈએ. અખંડ મહારાષ્ટ્ર માટે શિવસેના ગમે એ હદે જશે એ દિલ્હી સરકાર યાદ રાખે.

‘શિવ છત્રપતિના આર્શીવાદ, ચલો મોદીની સાથ’ એવાં સ્લોગનોથી શિવાજી પ્રત્યેનો પ્રેમ શું કામનો? તમે શિવાજીનું નામ પણ લો છો તો શિવસેનાનું લોહી ઊકળી ઊઠે છે. અમારી વીરતાને પડકારતા નહીં. અમે કોઈ અભણ ખેડૂત નથી. ભગવું મહારાષ્ટ્ર ક્યારેય કોઈનું ખંડિયું રાજ્ય નહીં બને. લોકસભાની ચૂંટણીમાં અમારા સાથથી દિલ્હીમાં ગાદી મળી એટલે મહારાષ્ટ્રમાં અમને લાત મારી?

અમિત શાહ પહેલાં મહારાષ્ટ્ર પર કબજો જમાવવા આદિલ શાહ જેવા કેટલાય શાહસોદાગરો આવી ચડ્યા હતા, પરંતુ શિવાજીની આ ભૂમિ તેમને ઠેકાણે પાડવા ટેવાયેલી છે. તમે અમને ઉંદર કહો છો, પરંતુ શિવસેના વાઘ છે. વાઘ નહોર બહાર કાઢીને તમારી પાર્ટીને ચીરી નાખશે એ ૧૯ ઑક્ટોબરે ચૂંટણીનાં પરિણામોમાં જોઈ લેજો.

લોકસભાની ચૂંટણીમાં નરકાસુરોને હરાવ્યા બાદ હવે વિધાનસભાની ચૂંટણીમાં મહિષાસુરોનો રાજકીય વધ થશે.

દેશની સીમા પર ગોળીબાર વચ્ચે પણ BJPને મહારાષ્ટ્રને તોડવાની ઘાય છે. તમે ચીન અને પાકિસ્તાનને રોકો, કેમ કે શિવાજીના મહારાષ્ટ્રને તોડવાના પ્રયાસો સફળ નહીં થાય.

BJP પાસે કોઈ પાણીદાર નેતા નથી તેથી જ મોદી તેમના દળકટક સાથે ચૂંટણીપ્રચારમાં ઊતરી પડ્યા છે, પરંતુ શું મોદી મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર બનશે? રાજ્યમાં મોદીની લહેર છે તો તેમની આટલી બધી સભાઓ અને દિલ્હીના દળકટકની શું જરૂર છે?

મોદીએ શરદ પવાર અને તેમની પાર્ટી પર કરેલા જોરદાર હુમલા

NCP રાષ્ટ્રવાદી નહીં ભ્રષ્ટાચારવાદી પાર્ટી છે. આ પાર્ટી નૅચરલી કરપ્ટ છે.

મહારાષ્ટ્રને કૉન્ગ્રેસ-NCPની ચોર-લૂંટારુ અને વંશવાદથી ખદબદતી સરકારથી મુક્ત કરવાનો અને પાપીઓને મતોની સજા આપવાનો આ અવસર છે. આ બન્ને કૉન્ગ્રેસે રાજ્યની બે પેઢીઓનું ભવિષ્ય રોળી નાખ્યું છે. જોકે NCPની નિશાની ઘડિયાળના કાંટા દસ વાગીને દસ મિનિટનો સમય દર્શાવે છે એનો અર્થ એ છે કે આ ચૂંટણીમાં બન્ને કૉન્ગ્રેસ દસ-દસ સીટો પર સમેટાઈ જશે.

કાકા-ભત્રીજા (શરદ પવાર-અજિત પવાર)ની જોડીની સરકાર હવે રાજ્યમાં નહીં રહે. શરદ પવારમાં શિવરાયાના ગુણ ક્યારેય નહીં ઊતરે. ખેડૂતોની પાયમાલી માટે NCP જવાબદાર છે. આ પાર્ટીએ સહકારી મંડળીઓ પર કબજો જમાવ્યો છે. પવાર જ્યારે કેન્દ્રમાં કૃષિ મિનિસ્ટર હતા ત્યારે જ રાજ્યમાં હજારો ખેડૂતોએ સુસાઇડ કરવું પડ્યું હતું.

શરદ પવાર ડિફેન્સ મિનિસ્ટર હતા ત્યારે ક્યારેય બૉર્ડર પર ગયા જ નહોતા. ત્યારે પણ ચીન ડોળા કાઢતું અને પવારસાહેબ પૉલિટિક્સ કરતા. હાલમાં આપણી સેના પાકિસ્તાનને બરાબરનો જવાબ વાળી રહી છે તેથી તમારે આવી ચિંતા કરવાની જરૂર નથી.

મોદીના આક્ષેપોના શરદ પવારે આપેલા જોરદાર જવાબ

આધારવિહોણા આક્ષેપો કરીને નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટરના પદની ગરિમાને લાંછન લગાવી રહ્યા છે અને પબ્લિક ડિબેટનું સ્તર સાવ નીચે લઈ ગયા છે.

દેશના પ્રાઇમ મિનિસ્ટર તરીકે અમેરિકામાં જઈને પ્રવચન આપી આવ્યા અને હવે એનો ઉપયોગ ચૂંટણીપ્રચારમાં થઈ રહ્યો છે જે સત્તાનો દુરુપયોગ છે.

ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા ત્યારે મોદીએ ગુજરાતની સ્કૂલોમાં શિવાજીનો ખોટો ઇતિહાસ ભણાવ્યો છે તેથી મહારાષ્ટ્રની જનતા તમને માફ નહીં કરે. હવે તમને શિવાજી કેમ યાદ આવ્યા?

મોદી ગુજરાતને દેશનું નંબર વન રાજ્ય કહે છે એ મહારાષ્ટ્રનું હળહળતું અપમાન છે. તમે ગુજરાતના નહીં દેશના પ્રાઇમ મિનિસ્ટર છો. મહારાષ્ટ્ર તો નંબર વન હતું, છે અને રહેશે.

મોદીસાહેબે માત્ર ગુજરાતનાં જ ગુણગાન ગાઈને અને ખોટાં સપનાં બતાડીને દિલ્હીની ગાદી મેળવી. અમે દેશમાં ગરીબો માટે અન્ન-સુરક્ષા ઍક્ટ લાવ્યા એવી દૃષ્ટિ હાલની (મોદીની) કેન્દ્ર સરકારમાં નથી.

દેશની સીમાઓ સળગે છે ત્યારે મોદીજી રાજ્યના રાજકારણમાં રમમાણ છે. હું ડિફેન્સ મિનિસ્ટર હતો ત્યારે સીમાડા સુરક્ષિત હતા અને સિયાચીન બૉર્ડરે જનારો હું દેશનો પહેલો ડિફેન્સ મિનિસ્ટર હતો એની વિગતો તપાસીને મોદીજીએ બોલવું જોઈએ. ખરેખર તો મોદીને મહારાષ્ટ્રમાં જીતનો વિશ્વાસ નથી તેથી દેશના સીમાડાની ચિંતા કરવાને બદલે પ્રચારયુદ્ધમાં જોડાયા છે.