ચીફ મિનિસ્ટરની ખુરસી માટે BJPમાં કાસ્ટ પૉલિટિક્સ?

22 October, 2014 02:48 AM IST  | 

ચીફ મિનિસ્ટરની ખુરસી માટે BJPમાં કાસ્ટ પૉલિટિક્સ?





મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો બાદ હવે સરકાર બનાવવા થનગની રહેલી BJPએ પ્રદેશપ્રમુખ દેવેન્દ્ર ફડણવીસનું નામ નવા ચીફ મિનિસ્ટર તરીકે લગભગ નક્કી કરી લીધું છે, પરંતુ રાજ્યનું કાસ્ટ પૉલિટિક્સ તેમના માર્ગમાં અવરોધ બની શકે છે. પાર્ટીના ટોચના નેતાઓ ભલે કહે કે જાતિ અને ધર્મ જેવી બાબતોની સરકાર રચવા પર અસર નહીં થાય, પરંતુ હકીકત વિપરીત છે. BJPને મહારાષ્ટ્રમાં સંપૂર્ણ બહુમતી નથી મળી. અન્ય પાર્ટી કે અપક્ષોના સહકારથી સરકાર રચવી પડશે એથી મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટરપદે બિરાજવા પાર્ટીમાં પણ બ્રાહ્મણ V/S મરાઠા અને અધર બૅક્વર્ડ ક્લાસ (OBC)નું કાસ્ટ પૉલિટિક્સ ચાલી રહ્યું છે.

જો દેવેન્દ્ર ફડણવીસ ચીફ મિનિસ્ટર બનશે તો શિવસેનાના મનોહર જોશી બાદ તેઓ રાજ્યના બીજા બ્રાહ્મણ ચીફ મિનિસ્ટર બનશે, પરંતુ અન્યોના સહકારથી જ સરકાર ચલાવવાની હોવાથી રાજ્યમાં ૭૦ ટકા વસ્તી ધરાવતા મરાઠા અને OBCના વિધાનસભ્યોનો ટેકો પણ જરૂરી છે આવું બહાનું આગળ ધરીને લૉબિંગ ચાલી રહ્યાની વાતો સંભળાઈ રહી છે. BJPની જ એક લૉબીની દલીલ છે કે એજ્યુકેશન અને ગવર્નમેન્ટ જૉબમાં આ કમ્યુનિટીઓને રિઝર્વેશન આપીને તેમ જ સરકારમાં ટોચના હોદ્દા આપીને જ કૉન્ગ્રેસ અને NCPએ રાજ્યમાં અત્યાર સુધી રાજ ભોગવ્યું છે. એથી પાર્ટીએ જો દબદબો જાળવી રાખવો હોય તો ચીફ મિનિસ્ટર મરાઠા કે બ્ગ્ઘ્નો જ હોવો જોઈએ.

BJP તરફથી ચીફ મિનિસ્ટરની ખુરસી માટે જે છ નામ બોલાઈ રહ્યાં છે એમાં દેવેન્દ્ર ફડણવીસ ઉપરાંત કેન્દ્રના મિનિસ્ટરો નીતિન ગડકરી અને પ્રકાશ જાવડેકર બ્રાહ્મણ છે જ્યારે મરાઠા લૉબીનું પ્રતિનિધિત્વ વિનોદ તાવડે કરી રહ્યા છે, જેમને NCP સાથે પણ સારો રેપો હોવાની દલીલો તેમના સપોર્ટરો કરી રહ્યા છે. દિવંગત ગોપીનાથ મુંડેનાં પુત્રી પંકજા અને એકનાથ ખડસે OBC નેતાઓ છે અને તેમના પણ કેટલાય સપોર્ટરો પાર્ટીમાં છે. ખાસ તો પંકજાના નામે શિવસેનાનો પણ સપોર્ટ મળી શકે છે એવું આ લૉબીનું માનવું છે.

ઇટ્સ ફાઇનલ : રાજ્યમાં BJPની સરકાર દિવાળી પછી જ

વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યા પછી મહારાષ્ટ્રના રાજકીય તખ્તા પર BJPનો ઉદય થયો એ ખરું પણ એ પાર્ટીની સરકાર દિવાળીના તહેવાર પછી જ રચાશે. હાલમાં પાર્ટીના નેતાઓ નવી રાજ્ય સરકારના પ્રધાનમંડળમાં સામેલ કરવા માટેનાં નામો નક્કી કરવામાં વ્યસ્ત હોવાનું બીજેપીનાં સૂત્રોએ જણાવ્યું હતું.

આ સૂત્રોએ સરકાર રચવાના અંદાજિત દિવસો વિશે જણાવ્યું હતું કે ‘દિવાળી પહેલાં કંઈ પણ બનવાની શક્યતા નહીંવત્  છે. BJP લેજિસ્લેટિવ પાર્ટીના નેતા દિવાળી પછી જ ચૂંટાશે. પાર્ટીના સેન્ટ્રલ ઑબ્ઝર્વર રાજનાથ સિંહ દિવાળી પછી મુંબઈ પહોંચશે અને તેમની હાજરીમાં મુખ્ય પ્રધાન તરીકે શપથ લેનારા નવા નેતાની ચૂંટણી યોજાશે.’