મહારાષ્ટ્ર 1 કરોડ લોકોને સંપૂર્ણ રસી આપનાર પ્રથમ અને એકમાત્ર રાજ્ય બન્યું

26 July, 2021 07:17 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારષ્ટ્રમાં 1 કરોડ લોકોને કોરોના રસીના બંને ડોઝ આપવામાં આવ્યાં છે. આ સાથે જ આટલા લોકોને રસી આપનાર એકમાત્ર અને પ્રથમ રાજ્ય મહારષ્ટ્ર બન્યું છે.

પ્રતીકાત્મક તસવીર

કોરોનાને મ્હાત આપવા માટે રસીકરણ પર વધારે ભાર મુકવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રમાં રસીકરણની પ્રક્રિયાને તેજ બનાવવા માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. આ દરમિયાન મહારાષ્ટ્રના પર્યટન અને પર્યાવરણ રાજ્ય કેબિનેટ પ્રધાન આદિત્ય ઠાકરેએ સોમવારે માહિતી આપી હતી કે પડકારો વચ્ચે પણ મહારાષ્ટ્ર 1 કરોડ લોકોને સંપૂર્ણ રસી (બંને ડોઝ) આપીને પ્રથમ અને એકમાત્ર રાજ્ય બન્યું છે.

મહારાષ્ટ્રમાં 25 જુલાઈએ 705 કેન્દ્રો દ્વારા 1,14,568 લોકોને રસી આપવામાં આવી હતી. સરકારી આંકડા મુજબ 26 જુલાઇએ સવારે 7 વાગ્યા સુધી રાજ્યમાં કુલ 4,13,19,105 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના આંકડા પરથી જાણવા મળ્યું છે કે  1 મે થી 18 થી 44 વય જૂથના 1,04,16,614 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.  જ્યારે આ વય જુથ માટે રસીકરણ ડ્રાઇવ શરૂ થાય ત્યારથી અત્યાર સુધીમાં4 ,59,927 લોકોને બંને ડોઝ અપાઈ ગયા છે.

નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે શનિવારે કહ્યું હતું કે રાજ્ય સરકાર સંપૂર્ણ રસી અપાયેલા લોકોને કોરોના વાયરસ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવા અંગે વિચારણા કરી રહ્યું છે. જેથી રસી લેવા માટે લોકો આગળ આવે. 

વધુમાં અજીત પવારે એમ પણ કહ્યું હતું કે, સરકાર દુકાનો અને રેસ્ટોરન્ટ માટેના સમયગાળામાં વધારો કરવાની તૈયારી કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે સપ્તાહના અંતે છૂટછાટ આપવાનો નિર્ણય પછીના અઠવાડિયે મુખ્યપ્રધાન સાથે બેઠક કરી લેવામાં આવશે. 

મહારાષ્ટ્રમાં રવિવારે કોરોના વાયરસના નવા 6,8433 કેસ નોંધાયા છે.  જ્યારે 123 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. 

national news maharashtra vaccination drive covid vaccine