27 December, 2025 08:23 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મદ્રાસ હાઈ કોર્ટે શુક્રવારે કેન્દ્ર સરકારને સૂચન કર્યું હતું કે ઑસ્ટ્રેલિયાની જેમ ભારતમાં પણ ૧૬ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ મૂકવો જોઈએ, આ વિશે ઑસ્ટ્રેલિયા જેવા કડક કાયદાઓ પર ગંભીરતાથી વિચારણા કરવાની જરૂર છે.
ઑસ્ટ્રેલિયામાં ૧૬ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો ઍક્સ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે ટિક ટૉક વાપરી શકતાં નથી. જસ્ટિસ જી. જયચંદ્રન અને કે. કે. રામક્રિષ્નનની બનેલી બેન્ચે સગીરોને સહેલાઈથી જોવા મળતી ઑનલાઇન પૉર્નોગ્રાફિક સામગ્રીના મુદ્દા પર જાહેર હિતની અરજીની સુનાવણી દરમ્યાન ઉપરોક્ત અવલોકન કર્યું હતું.
કોર્ટે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ (ISP) પર કડક નિયમ લાદવાની ભલામણ કરી હતી. માતાપિતા તેમનાં બાળકોની ઑનલાઇન પ્રવૃત્તિને ફિલ્ટર અને નિયંત્રિત કરી શકે એવો પેરન્ટલ કન્ટ્રોલ તેમને પ્રદાન કરવાનો આદેશ અદાલતે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને આપ્યો હતો. ઑસ્ટ્રેલિયાએ ૯ ડિસેમ્બરથી ૧૬ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર અકાઉન્ટ બનાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઑસ્ટ્રેલિયા આ પ્રકારનો પ્રતિબંધ લાદનાર વિશ્વનો પ્રથમ દેશ છે.