મધ્યપ્રદેશ: ક્લર્કના ઘરેથી મળ્યા અધધધ રૂપિયા, દરોડા પડતાં પીધું ફિનાઇલ

04 August, 2022 05:06 PM IST  |  Bhopal | Gujarati Mid-day Online Correspondent

તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો

પ્રતીકાત્મક તસવીર

મધ્યપ્રદેશ પોલીસની ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ (EOW)એ બુધવારે સવારે ઉપનગરીય બૈરાગઢમાં રાજ્યના તબીબી શિક્ષણ વિભાગના એક વરિષ્ઠ ક્લાર્કના ઘરે અપ્રમાણસર સંપત્તિના કેસના સંબંધમાં દરોડા પાડ્યા હતા અને 85 લાખ રૂપિયાથી વધુની રોકડ રિકવર કરવાનો દાવો કર્યો હતો.

જોકે, દરોડાથી બચવા કારકુન હીરો કેસવાણીએ ઘરમાં રાખેલ ફિનાઈલ પી લીધું હતું, જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

ભોપાલ EOW પોલીસ અધિક્ષક રાજેશ મિશ્રાએ જણાવ્યું હતું કે, “અપ્રમાણસર સંપત્તિની ફરિયાદ પર વરિષ્ઠ ક્લાર્ક હીરો કેસવાનીના ઘરે દરોડો પાડવામાં આવ્યો છે. દરોડામાં રૂા. 85 લાખથી વધુની રોકડ અને જંગમ અને સ્થાવર મિલકતો અને તેમના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.

અધિકારીએ જણાવ્યું કે “પ્રારંભિક તપાસમાં કારકુનની કુલ સ્થાવર અને જંગમ મિલકત 4 કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે. તેમણે કહ્યું કે હાલમાં દરોડાની કાર્યવાહી ચાલી રહી છે, તેથી કુલ કેટલી સંપત્તિનો ખુલાસો થયો છે તે કાર્યવાહી પૂર્ણ થયા બાદ આકારણી કરી શકાશે.

તેમણે જણાવ્યું હતું કે સવારે કેસવાણીએ દરોડાની કાર્યવાહીનો વિરોધ કરતી વખતે ટીમના સભ્યો સાથે કથિત રીતે ઝપાઝપી કરી હતી અને બાદમાં ઘરમાં રાખવામાં આવેલ ફિનાઈલ જેવું પ્રવાહી પી લીધું હતું, ત્યારબાદ તેને ઉલ્ટી થતાં સારવાર માટે સરકારી હમીદિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.”

EOW અધિકારીએ જણાવ્યું કે “કેસવાનીનું એક પેન્ટહાઉસ છે, જ્યાં મોંઘી સજાવટની વસ્તુઓ મળી આવી હતી. આ ઘરની કિંમત લગભગ 1.5 કરોડ રૂપિયા છે.” અધિકારીએ જણાવ્યું હતું કે “કેસવાનીના પરિવારના સભ્યોના બેન્ક ખાતામાં લાખોની રકમ જમા કરવામાં આવી હતી અને મોટાભાગની મિલકત તેમણે તેમની પત્નીના નામે ખરીદી હતી, જે ગૃહિણી છે અને તેમની પાસે આવકનો અન્ય કોઈ સ્ત્રોત નથી.

national news madhya pradesh Crime News