સ્વદેશી યુદ્ધજહાજ વિક્રાંતની ત્રીજી ટ્રાયલની શરૂઆત

10 January, 2022 10:42 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારતમાં નિર્માણ પામેલ ૪૦,૦૦૦ ટનના આ વિમાનવાહક જહાજે પહેલાં ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં પાંચ દિવસ માટે તો ઑક્ટોબરમાં ૧૦ દિવસ માટે સમુદ્રી સફર ખેડી હતી

સ્વદેશી યુદ્ધજહાજ વિક્રાંત

ભારતીય નૌકાદળમાં ઑગસ્ટ મહિનામાં સામેલ થતાં પહેલાં ભારતમાં નિર્મિત વિમાનવાહક જહાજ વિક્રાંત ગઈ કાલે વધુ એક ટ્રાયલ પર નીકળ્યું હતું. ભારતમાં નિર્માણ પામેલ ૪૦,૦૦૦ ટનના આ વિમાનવાહક જહાજે પહેલાં ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં પાંચ દિવસ માટે તો ઑક્ટોબરમાં ૧૦ દિવસ માટે સમુદ્રી સફર ખેડી હતી. નૌકાદળના પ્રવક્તા વિવેક મઢવાલે કહ્યું હતું કે વિવિધ પરિસ્થિતિમાં આ જહાજ કેવી રીતે કાર્ય કરે છે એની ચકાસણી કરવામાં આવશે. અંદાજે ૨૩,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે આ જહાજનું નિર્માણ કરવામાં આવ્યું છે. થોડા દિવસો પહેલાં જ કોચીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ. વેન્કૈયા નાયડુએ વિક્રાંતની મુલાકાત લીધી હતી. 
જહાજની પહેલી ટ્રાયલ દરમ્યાન એના બેસિક ઑપરેશનની ચકાસણી કરવામાં આવી હતી તો બીજી ટ્રાયલ દરમ્યાન વિવિધ મશીનરી ટ્રાયલ્સ અને ફલાઇટ ટ્રાયલ્સના સંદર્ભમાં એની ગતિને ચકાસવામાં આવી હતી. યુદ્ધજહાજે બીજી ટ્રાયલમાં જ એની ઉપયોગિતા સાબિત કરી દીધી હતી. બીજી ટ્રાયલમાં જ વિવિધ નૌકાકૌશલ્યની કસોટી પર પણ આ જહાજ ખરું ઊતર્યું હતું. વિશાખાપટ્ટનમાં આવેલી ડીઆરડીઓના નેવલ સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજિકલ લૅબોરેટરીના કેટલાક વૈજ્ઞાનિકો વિક્રાંતની ત્રીજી ટ્રાયલના સાક્ષી બન્યા છે. આ યુદ્ધજહાજ પર મિગ-૨૯ કે ફાઇટર જેટ, કામોવ-૩૧ હેલિકૉપ્ટર, એમએચ-૬૦આર મલ્ટિ રોલ હેલિકૉપ્ટરનું સંચાલન કરી શકાશે. આ યુદ્ધજહાજમાં અલગ-અલગ ૨૩૦૦ કમ્પાર્ટમેન્ટ છે જેમાં મહિલા ઑફિસરો માટે અલગ કેબિન સહિત કુલ ૧૭૦૦ ક્રૂ મેમ્બરોને સમાવવાની ક્ષમતા છે. આ જહાજ સૌથી વધુ ૨૮ માઇલની ઝડપે જઈ શકે છે તેમ જ તેની લંબાઈ ૨૬૨ મીટર, પહોળાઈ ૬૨ મીટર અને ઊંચાઈ ૫૯ મીટર છે. એનું નિર્માણ ૨૦૦૯માં શરૂ થયું હતું.  

national news