એલપીજી સિલિન્ડરના ભાવમાં ૨૫ રૂપિયાનો વધારો

02 March, 2021 11:03 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

એલપીજી સિલિન્ડરના ભાવમાં ૨૫ રૂપિયાનો વધારો

પેટ્રોલ–ડીઝલ, રાંધણ ગૅસના ભાવવધારાનો અનોખો વિરોધ: ગુજરાતના ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા સત્રના પહેલા જ દિવસે વિધાનસભાના દરવાજે કૉન્ગ્રેસના વિધાનસભ્યોએ અનોખો વિરોધ કરીને મોંઘવારી સામે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. ખાદ્ય તેલ, પેટ્રોલ, ડીઝલ તેમ જ ગૅસના ભાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે મોંઘવારીના સ્લોગ્ન લખેલું એપ્રન પહેરીને તેમ જ હાથમાં મોંઘવારીના પ્લેકાર્ડ લઈને ગુજરાત વિધાનસભાના દરવાજે કૉન્ગ્રેસના વિધાનસભ્ય ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખે મોંઘવારીનો વિરોધ કર્યો હતો

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સબસિડીવાળા ઘરેલુ ગૅસ સિલિન્ડરના ભાવમાં પહેલી માર્ચથી એટલે કે ગઈ કાલથી ફરી ૨૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ ૧૪.૨ કિલો વજનવાળા એલપીજી ગૅસ સિલિન્ડરના ભાવ હવે વધીને ૭૯૪ રૂપિયાથી ૮૧૯ રૂપિયા થઈ ગયા છે. અગાઉ ૨૫ ફેબ્રુઆરીના રોજ પણ એલપીજી ગૅસના ભાવમાં ૨૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

૧ ડિસેમ્બરથી અત્યાર સુધીમાં એલપીજી ગૅસ સિલિન્ડર ૨૨૫ રૂપિયા મોંઘું થયું છે. ૧ ડિસેમ્બરના એલપીજી ગૅસની કિંમત ૫૯૪ રૂપિયાથી વધીને ૬૪૪ રૂપિયા થઈ ગઈ હતી. ત્યાર બાદ ૧ જાન્યુઆરીના ૬૪૪ રૂપિયાથી વધીને ૬૯૪ રૂપિયા થઈ ગઈ હતી. બાદમાં ૪ ફેબ્રુઆરીએ ૬૯૪ રૂપિયાથી ૭૧૯ રૂપિયા અને તેના પછી ૧૫ ફેબ્રુઆરીએ ૭૧૯ રૂપિયાથી ૭૬૯ રૂપિયા થઈ ગઈ.

ત્યાર બાદ ૨૫ ફેબ્રુઆરીના રોજ એલપીજી ગૅસના ભાવમાં ૨૫ રૂપિયાનો વધારો કરાયો જેથી તેની કિંમત ૭૬૯ રૂપિયાથી વધીને ૭૯૪ રૂપિયા થઈ ગયેલી. હવે ૧ માર્ચના રોજ એલપીજી ગૅસના ભાવમાં ૨૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો તે સાથે જ તેની વર્તમાન કિંમત ૮૧૯ રૂપિયા થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે સરકાર પ્રત્યેક ઘરદીઠ ૧૨ સિલિન્ડર (૧૪.૨ કિલોના) સબસિડી પર આપે છે.

national news