૧૯૭૧માં મોદી હોત તો આજે કરતારપુર ભારતમાં હોત

24 May, 2024 01:27 PM IST  |  Patiala | Gujarati Mid-day Correspondent

પંજાબમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું...

ગઈ કાલે પટિયાલામાં યોજાયેલી પ્રચારસભામાં નરેન્દ્ર મોદી

લોકસભાની ચૂંટણીના સાતમા તબક્કામાં પહેલી જૂને પંજાબમાં મતદાન થવાનું છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે અહીંના પ​ટિયાલાના પોલો ગ્રાઉન્ડમાં સભાને સંબોધી હતી. વડા પ્રધાને કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસે સત્તા માટે દેશના ભાગલા કર્યા. આ ભાગલા પણ એવી રીતે કર્યા કે ૭૦ વર્ષ સુધી આપણે દૂરબીનથી કરતારપુર સાહિબનાં દર્શન કરવાં પડતાં હતાં. બંગલાદેશની લડાઈ થઈ ત્યારે ૯૦,૦૦૦થી વધુ પાકિસ્તાની સૈનિકો આપણા તાબામાં હતા. એ સમયે મોદી હોત તો એ સૈનિકોને પાછા આપવાના બદલામાં પાકિસ્તાન પાસેથી કરતારપુર ભારતમાં પાછું લાવી દેત. કૉન્ગ્રેસ આ ન કરી શકી. મારાથી જેટલી સેવા થઈ શકી મેં કરી છે. આજે કરતારપુર સાહિબ તમારી સામે છે.’

લંગર ટૅક્સ રદ કર્યો

અમારી સરકારે લંગર ટૅક્સ રદ કર્યો એમ જણાવીને વડા પ્રધાને વધુમાં કહ્યું હતું કે ‘પહેલાં શ્રી હરમંદિર સાહબમાં વિદેશમાંથી ડોનેશન આપી નહોતું શકાતું. અમે એ માટેના નિયમોમાં ફેરફાર કર્યા. શ્રી ફતેહગઢ સાહિબ તો સા​હિબજાદાના શૌર્ય અને શહાદતનું સાક્ષી રહ્યું છે. આ મોદી સરકાર છે જેણે સા​હિબજાદાના શૌર્યને સમર્પિત વીર બાલ દિવસ જાહેર કર્યો. અફઘાનિસ્તાનમાં આપણા ​સિખ પરિવારો સંકટમાં હતા એમને અમે સુરક્ષિત રીતે ભારત લાવ્યા. ઇન્ડી ગઠબંધન ઘોર સાંપ્રદા​િયક છે, ઘોર જાતિવાદી છે, ઘોર પરિવારવાદી છે. સત્તા માટે આ લોકો કોઈની સાથે પણ વિશ્વાસઘાત કરી શકે છે. એક તરફ આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારવાનું સાહસ છે તો બીજી બાજુ ઇન્ડીવાળા આતંકવાદીઓના એન્કાઉન્ટર પર આંસુ વહાવે છે.’

Lok Sabha Election 2024 Lok Sabha narendra modi bharatiya janata party punjab patiala national news