સાનિયા મિર્ઝા કૉન્ગ્રેસ તરફથી રાજકીય મેદાનમાં ઊતરશે?

28 March, 2024 09:30 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કૉન્ગ્રેસનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કૅપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીને પણ સાનિયાની ઉમેદવારીને સમર્થન આપ્યું છે

સાનિયા મિર્ઝા

આગામી લોકસભા ચૂંટણી માટે કૉન્ગ્રેસ હૈદરાબાદથી ટેનિસ-સ્ટાર સાનિયા મિર્ઝાને રાજકીય મેદાનમાં ઉતારે એવી શક્યતા છે. પાર્ટી સાનિયા મિર્ઝાની લોકપ્રિયતા અને સેલિબ્રિટી સ્ટેટસને જોતાં તેની ઉમેદવારી પર વિચારણા કરી રહી છે. કૉન્ગ્રેસનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કૅપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીને પણ સાનિયાની ઉમેદવારીને સમર્થન આપ્યું છે. અઝહરુદ્દીનના દીકરાનાં લગ્ન સાનિયાની બહેન અનમ મિર્ઝા સાથે થયાં છે.

આ સીટ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદ-ઉલ-મુસ્લિમીન (AIMIM)નો ગઢ કહેવાય છે. જોકે ઇન્ડિયન નૅશનલ કૉન્ગ્રેસની હાજરી આ વખતે મજબૂત થવાને કારણે સામાન્ય ચૂંટણીમાં AIMIMને બરાબરની ટક્કર મળે એવી શક્યતા છે.

હૈદરાબાદની સીટ કૉન્ગ્રેસે છેલ્લે ૧૯૮૦માં જીતી હતી, જ્યારે કે. એસ. નારાયણ પાર્ટીના ઉમેદવાર હતા. ત્યાર બાદ ૧૯૮૪માં સુલ્તાન સલાહુદ્દીન ઓવૈસી સ્વતંત્ર ઉમેદવાર તરીકે અને ૧૯૮૯થી ૧૯૯૯ સુધી AIMIMના ઉમેદવાર તરીકે આ બેઠક જીત્યા હતા. ૨૦૦૪થી આ બેઠક તેમના મોટા દીકરા અસદુદ્દીન ઓવૈસી હસ્તક રહી છે. કૉન્ગ્રેસને એવી આશા છે કે વૈશ્વિક સ્તરે સાનિયા મિર્ઝાની ઓળખ જોતાં તે ખાસ કરીને મહિલાઓ અને યુવાનોને પ્રભાવિત કરશે. જોકે, નવોદિત તરીકે રાજકારણમાં પ્રવેશ અને અસદુદ્દીન ઓવૈસીનું પ્રભુત્વ જોતાં સાનિયાને ઘણા પડકારોનો સામનો કરવો પડશે.

Lok Sabha Election 2024 Lok Sabha congress sania mirza national news